Bharuch Baliyadev Temple Trust: ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પ્રાચીન બળિયાદેવ મંદિર ટ્રસ્ટમાં પ્રમુખ બનવા માટે જીવિત ટ્રસ્ટીને કાગળ પર મૃત જાહેર કરીને ટ્રસ્ટમાંથી તેમનું નામ કમી કરાવ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભરૂચ ચેરિટી કમિશનર સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કરીને આ કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલો સામે આવ્યા બાદ ભરૂચ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
નોટરી કરેલા સોગંદનામામાં જીવિત વ્યક્તિને મૃત દર્શાવ્યાનો આરોપ
મળતી માહિતી મુજબ, બળિયાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બનવા માટે નવીનચંદ્ર ડાહ્યાભાઈ રાણાએ પોતાના માણસોને ટ્રસ્ટી બનાવવા માટે જીવિત ટ્રસ્ટી અશ્વિનભાઈ રમણભાઈ માસ્તરને નોટરી કરેલા સોગંદનામામાં મૃત દર્શાવ્યા હોવાનો આક્ષેપ છે. આ દસ્તાવેજોના આધારે ભરૂચ ચેરિટી કમિશનર સમક્ષ કાર્યવાહી કરવામાં આવી હતી અને અશ્વિનભાઈનું નામ ટ્રસ્ટમાંથી કમી કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ આ જ દસ્તાવેજોના આધારે નવા ટ્રસ્ટીઓની નિમણૂકનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. જોકે, દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરતથી નોટિસ મળતાં ટ્રસ્ટી જાતે કચેરીએ પહોંચ્યા
ભરૂચ ચેરિટી કમિશનરના હુકમ સામે સુરત ચેરિટી કમિશનર સમક્ષ અપીલ કરવામાં આવતા અશ્વિનભાઈને નોટિસ મળી હતી. નોટિસ મળ્યા બાદ તેઓ રૂબરૂ સુરતની કચેરીએ પહોંચ્યા અને અધિકારીઓ સમક્ષ પોતાની હાજરી પુરવાર કરી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને કહ્યું હતું કે, “સાહેબ, હું હજી જીવિત છું!” સાથે જ તેમણે પોતાના જીવિત હોવાના પુરાવા પણ રજૂ કર્યા હતા. અશ્વિનભાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા બાદ સુરત ચેરિટી કમિશનરે ભરૂચ ચેરિટી કમિશનરના અગાઉના હુકમ પર સ્ટે આપ્યો હતો.
પોલીસ ફરિયાદ બાદ તપાસ શરૂ
પોતાને જીવિત હોવાના પુરાવા સાથે અશ્વિનભાઈએ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નવીન રાણા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન નોટરી, વકીલ અથવા અન્ય કોઈ અધિકારીની સંડોવણી સામે આવશે તો તેમને પણ આરોપી બનાવવામાં આવશે, તેમ તપાસ અધિકારીએ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે.
નોટરી એડવોકેટ ચિરાગ પરમારનું નામ પણ સામે આવ્યું
આ સમગ્ર કેસમાં નોટરી એડવોકેટ ચિરાગ પરમારનું નામ પણ સામે આવ્યું છે. અગાઉ વાગરા વિસ્તારમાં કરોડો રૂપિયાના મીઠાના અગરના નકલી દસ્તાવેજોના કેસમાં તેની ધરપકડ થઈ હોવાની માહિતી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ આ કેસમાં પણ જીવિત વ્યક્તિને મૃત દર્શાવતા સોગંદનામા પર નોટરી કરી આપ્યાનો આરોપ તેના પર મૂકવામાં આવ્યો છે. હવે પોલીસ તપાસ આગળ વધશે તેમ સમગ્ર મામલામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને દસ્તાવેજો કેવી રીતે તૈયાર થયા તેની વધુ વિગતો સામે આવી શકે છે.








