Bharti ashram Mahadevgiri Bapu: જસદણ તાલુકાના સાણથલી ગામે વસતા ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાર અચાનક ગુમ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ, તેઓ આજે વહેલી સવારે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનોએ જણાવ્યું છે કે મહાદેવગીરી બાપુ સવારે 5 વાગ્યાની આસપાસ બહાર નીકળ્યા બાદ પરત ફર્યા નથી. તેમની અચાનક ગેરહાજરીને લઈને પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસ તેમની શોધખોળમાં લાગી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે.
તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું
થોડા દિવસો પહેલાં મહાદેવગીરી બાપુએ એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે ભારતી આશ્રમના આંતરિક વિવાદો અને વ્યક્તિગત મનદુ:ખ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ નોટ લખ્યા બાદ તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા, જેના પગલે પોલીસ વિભાગે તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. લાંબા સમયની શોધખોળ બાદ તેઓ ઈટાવા ઘોડી વિસ્તારમાં અશક્ત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ થોડો સમય સારવાર લીધી હતી. ડોક્ટરોએ યોગ્ય સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી.
શાંત અને વિચલિત સ્વભાવમાં દેખાતા
આ સમગ્ર પ્રકરણ બાદ ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદ બાપુએ મહાદેવગીરી બાપુ સામે કડક પગલાં લીધા હતા. તેમણે તેમને આશ્રમના તમામ હોદ્દા પરથી દૂર કર્યા હતા અને રાજ્યના કોઈપણ ભારતી આશ્રમમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ નિર્ણયને કારણે મહાદેવગીરી બાપુ ખૂબ નિરાશ થયા હોવાનું માનવામાં આવે છે. આશ્રમના આ આંતરિક વિવાદને કારણે છેલ્લા કેટલાક સમયથી તેમની માનસિક સ્થિતિ અસ્થિર થઈ ગઈ હોવાની શક્યતા પોલીસ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહાદેવગીરી બાપુ પોતાના પરિવાર સાથે જસદણના સાણથલી ગામે રહેવા ગયા હતા. પરિવારે જણાવ્યું છે કે તેઓ છેલ્લા બે દિવસથી શાંત અને વિચલિત સ્વભાવમાં દેખાતા હતા. પરિવારજનોએ જણાવ્યું કે તેઓ કોઈ વાત કરતા નહોતા અને ઘરેથી બહાર પણ ખાસ નીકળતા નહોતા. જોકે આજે વહેલી સવારે તેઓ અચાનક કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગયા અને ત્યારથી તેમની કોઈ ખબર મળી નથી.
આશ્રમના કેટલાક અનુયાયીઓએ જણાવ્યું
પોલીસે મહાદેવગીરી બાપુની શોધ માટે ટીમો બનાવી છે. સાણથલી, જસદણ, ઈટાવા અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓને પણ મદદ કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે તેમની છેલ્લી મોબાઇલ લોકેશન અને અન્ય તકનીકી માહિતીના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર ભારતી આશ્રમ સંસ્થાનમાં અને સ્થાનિક ભક્તોમાં ચિંતાનો માહોલ છે. આશ્રમના કેટલાક અનુયાયીઓએ જણાવ્યું છે કે મહાદેવગીરી બાપુ છેલ્લા કેટલાક મહિનાથી દબાણ અને તણાવ હેઠળ હતા. બીજી તરફ, પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે મહાદેવગીરી બાપુને વહેલી તકે શોધી કાઢવા માટે દરેક પ્રયાસ થઈ રહ્યો છે અને હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સાથે, પરિવારજનોએ પણ જાહેર અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને મહાદેવગીરી બાપુ અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.








