Ahmedabad News: સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસના મસમોટા દાવાઓ વચ્ચે થલતેજ વોર્ડમાં આવેલા ભાડજ ગામની વરવી વાસ્તવિકતા સામે આવી છે. આધુનિક સુવિધાઓના બણગાં ફૂંકતા સત્તાધીશો સામે હવે જનતાનો પિત્તો છટક્યો છે. ગામમાં સ્મશાનગૃહ જેવી પાયાની સુવિધા ન હોવાથી કંટાળેલા ગ્રામજનોએ ‘સ્મશાન નહીં તો વોટ નહીં’ના પોસ્ટરો લગાવીને આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ભાજપ અને એએમસી (AMC) વિરુદ્ધના આ આક્રોશને પગલે રાજકારણ ગરમાયું છે.
મોક્ષધામ માટે એસ.જી. હાઈવે ઓળંગવાની મજબૂરી
ભાડજ ગામના રહીશોની પીડા એ છે કે ગામમાં કોઈનું મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર માટે પાકા સ્મશાનની કોઈ વ્યવસ્થા નથી. ગ્રામજનોએ જણાવ્યું કે, અંતિમ યાત્રા લઈને છેક એસ.જી. હાઈવે ઓળંગીને દૂર આવેલા થલતેજ સ્મશાનગૃહ સુધી જવું પડે છે. ટ્રાફિક જામ અને લાંબા અંતરને કારણે મૃતકના સ્વજનોની હાલત કફોડી થઈ જાય છે. વર્ષોથી આ પાયાની સુવિધા માટે માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર માત્ર આશ્વાસનો જ આપી રહ્યું છે.
ગામના પ્રવેશદ્વારે બેનરો, નેતાઓને ‘નો એન્ટ્રી’
જનતાનો આક્રોશ હવે બેનરો અને પોસ્ટરોમાં ફેરવાયો છે. ગામના મુખ્ય ચોક અને પ્રવેશદ્વારો પર મોટા અક્ષરે લખવામાં આવ્યું છે કે, સ્મશાનનું કામ મંજૂર નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ નેતા કે AMCના પદાધિકારીઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં. સ્થાનીકોમાં એટલો રોષ છે કે તેઓ હવે કોઈ પણ નેતાને સાંભળવા તૈયાર નથી. યુવાનોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ આંદોલનમાં જોડાઈને સરકાર સામે મોરચો માંડ્યો છે.
પાયાની સુવિધા આપવામાં પણ AMCનો વાંધો-વચકો
એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડોના પ્રોજેક્ટ્સની વાતો કરે છે, તો બીજી તરફ ભાડજ ગામના લોકો પોતાની જમીન પર સ્મશાન બનાવવા માટે કરગરી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં એએમસીના સત્તાધીશોએ આંખ આડા કાન કર્યા છે. વિકાસની વ્યાખ્યામાં સ્મશાનગૃહનો સમાવેશ કેમ નથી? એવો સવાલ આજે ભાડજની જનતા પૂછી રહી છે.
કોર્પોરેટરનો લૂલો બચાવ: માંગણી ગેરવાજબી ગણાવી
આ મામલે જ્યારે સ્થાનિક કોર્પોરેટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જનતાની પડખે રહેવાને બદલે અજીબ તર્ક રજૂ કર્યો હતો. કોર્પોરેટરે જણાવ્યું કે, થલતેજ વોર્ડમાં પહેલેથી જ બે સ્મશાન કાર્યરત છે, તેથી નવી માંગણી ગેરવાજબી છે. લોકપ્રતિનિધિના આવા નિવેદનથી ગ્રામજનોમાં બળતામાં ઘી હોમાયું છે. લોકોનું કહેવું છે કે, જો કોર્પોરેટરને લોકોની તકલીફ દેખાતી ન હોય તો તેમને મત આપવાનો કોઈ અર્થ નથી.
‘નેતાઓના નામ મોટા, દર્શન ખોટા’ વાળી સ્થિતિ
ભાડજની આ સ્થિતિ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. ગામના યુવાનોએ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે કે જ્યાં સુધી સ્મશાનની પાકી મંજૂરી નહીં મળે ત્યાં સુધી ભાજપનો કે અન્ય કોઈ પક્ષનો પ્રચાર ગામમાં થવા દેવામાં આવશે નહીં. સત્તા પક્ષ માટે આ ચેતવણીની ઘંટી સમાન છે, કારણ કે ભાડજમાં થયેલો આ વિરોધ અન્ય વિસ્તારોમાં પણ પ્રસરી શકે છે.
ચૂંટણી બહિષ્કારની ચીમકીથી તંત્રમાં દોડધામ
લોકોના ઉગ્ર વિરોધ અને ચૂંટણી બહિષ્કારની જાહેરાત બાદ એએમસીના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી છે. જોકે, હજુ સુધી કોઈ લેખિત ખાતરી આપવામાં આવી નથી. ગ્રામજનો હવે ‘આરપાર’ની લડાઈના મૂડમાં છે. લોકશાહીમાં જ્યારે જનતા પાયાની સુવિધા માટે ‘નો વોટ’નું હથિયાર ઉગામે ત્યારે તે સત્તાધીશો માટે લાલબત્તી સમાન કિસ્સો બની જાય છે.








