Beware big fraud in Ahmedabad: અમદાવાદમાં ઓનલાઈન ટાસ્ક અને વર્ક ફ્રોમ હોમ દ્વારા હજારો રૂપિયા કમાવવાની લાલચ આપતી સાયબર ઠગ ટોળકીએ વધુ એક મહિલાને નિશાન બનાવી છે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતી અને એક જાણીતી ફાર્મા કંપનીમાં નોકરી કરતી મહિલાને ફ્લિપકાર્ટના પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરીને વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે રૂ.2.59 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અજાણ્યા સાયબર ઠગો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વોટ્સએપ ગ્રૂપમાં અજાણતાં જોડીને રચ્યું કાવતરું
પોલીસ ફરિયાદ મુજબ, ગુલબાઈ ટેકરા પાસે આવેલી પ્રયાસ સોસાયટીમાં રહેતી અને બકરોલ ખાતે કેડિલા ફાર્મામાં નોકરી કરતી યુવતી સાથે આ ઘટના બની હતી. 23 એપ્રિલના રોજ યુવતીની જાણ બહાર તેને એક વોટ્સએપ ગ્રૂપમાં જોડવામાં આવી હતી. આ ગ્રૂપમાં ફ્લિપકાર્ટની વિવિધ પ્રોડક્ટના સ્ક્રીનશોટ મોકલવા અને તેના બદલામાં મોટું કમિશન મેળવવાની લાલચ આપવામાં આવતી હતી.
HR અને ઇન્સ્ટ્રક્ટરના નામે વિશ્વાસ જીત્યો
યુવતીએ ગ્રૂપમાં શેર કરાયેલી એક લિંક ખોલતા તે 'Emaa Brokes' નામના વોટ્સએપ એકાઉન્ટ પર પહોંચી હતી. અહીં એક વ્યક્તિએ પોતે ફ્લિપકાર્ટનો ઓફિશિયલ HR હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ તેને ટેલિગ્રામ પર 'ઇશિતા શર્મા' નામના એકાઉન્ટ સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો, જ્યારે 'ફ્લિપકાર્ટ ઇન્સ્ટ્રક્ટર રમેશ' નામનું એકાઉન્ટ ટાસ્કનું સંચાલન કરતું હતું.
શરૂઆતમાં રૂ.200નું કમિશન આપી વિશ્વાસ ઉભો કર્યો
સાયબર ઠગોએ શરૂઆતમાં સરળ ટાસ્ક આપ્યા હતા, જેમાં પ્રોડક્ટની લિંક ખોલીને સ્ક્રીનશોટ મોકલવાના હતા. ટાસ્ક પૂર્ણ કર્યા બાદ યુવતીના ICICI બેંક ખાતામાં રૂ.200નું કમિશન જમા કરવામાં આવ્યું હતું. આ નાની રકમ મળતાં યુવતીને આ સમગ્ર પ્રક્રિયા સાચી હોવાનો વિશ્વાસ થયો હતો. ત્યારબાદ તેને રૂ.1000નું રોકાણ કરવા જણાવાયું હતું, જેના બદલામાં તેને કમિશન સાથે રૂ.1350 પરત આપવામાં આવ્યા હતા.
પ્રીમિયમ ટાસ્કના નામે રૂ.2.59 લાખની છેતરપિંડી
વિશ્વાસ જીત્યા બાદ ઠગોએ મોટો ખેલ શરૂ કર્યો હતો. તેમણે વધુ કમાણી માટે 'પ્રીમિયમ ટાસ્ક'માં જોડાવાની અને મોટી રકમ રોકવાની લાલચ આપી હતી. ઠગોની વાતોમાં આવીને યુવતીએ અલગ-અલગ બેંક ખાતા અને UPI ID મારફતે કટકે-કટકે કુલ રૂ.2.59 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. પરંતુ જ્યારે યુવતીએ પોતાની રોકેલી રકમ અને કમિશન પરત મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ ટેકનિકલ સમસ્યાનું બહાનું બતાવી વધુ પૈસા જમા કરાવવા દબાણ કર્યું હતું. વારંવાર ચુકવણી કર્યા છતાં રકમ પરત ન મળતા આખરે યુવતીને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થયા બાદ યુવતીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા વોટ્સએપ અને ટેલિગ્રામ ઓપરેટરો સામે છેતરપિંડી, ઓળખ છુપાવવી અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ સાયબર ઠગોમાં વપરાયેલા મોબાઈલ નંબર, બેંક ખાતા અને UPI IDની તપાસ કરી રહી છે. અધિકારીઓ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.








