Ahmedabad Senior Citizen Scammed: દિવાળીના તહેવારો અને વેકેશનની સજ્જતા વચ્ચે ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય નિતિનભાઈ કાંતિલાલ હાથી આગામી દિવાળી વેકેશનમાં નાગપુર પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યા હતા. આ માટે તેઓ 19મી ઓક્ટોબરના રોજ 'Airbnb' નામની જાણીતી એપના માધ્યમથી ઓનલાઇન રૂમ બુકિંગ કરી રહ્યા હતા. બુકિંગ ફોર્મ ભરતી વખતે તેમનું પાન કાર્ડ અપલોડ થઈ રહ્યું નહોતું. આથી તેમણે ઓનલાઇન સર્ચ કરીને દર્શાવેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કર્યો હતો. સાયબર ભોપાલ અથવા સાયબર ઠગોએ તરત જ તેમનો સંપર્ક સાધીને વોટ્સએપ પર સંવાદ શરૂ કર્યો હતો.
સપોર્ટના નામે APK ફાઇલ ડાઉનલોડ કરાવી
કસ્ટમર સપોર્ટ આપવાના બહાને સાયબર ઠગોએ વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે વીડિયો કોલ અને વોટ્સએપ ચેટ દ્વારા વાતચીત કરી હતી. ત્યારબાદ તેમણે 'Customer Support FUD.apk' નામની એક અનધિકૃત (APK) ફાઇલ મોકલીને તેને મોબાઇલમાં ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. નિતિનભાઈએ આ ફાઇલ ઇન્સ્ટોલ કરતાં જ હેકર્સે તેમના ફોનનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. આટલું જ નહીં, નાગપુરમાં રૂમ રિઝર્વ થઈ ગયો છે તેવો ખોટો મેસેજ મોકલીને તેનો સ્ક્રીનશોટ પણ મંગાવી લીધો હતો અને આખો દિવસ સતત સંપર્કમાં રહીને તેમને જાળમાં ફસાવી રાખ્યા હતા.
પેન્શન વેરિફિકેશન અને બેંકિંગ એપનો ડબલ એટેક
વૃદ્ધ સંપૂર્ણપણે વિશ્વાસમાં આવી ગયા બાદ, અન્ય એક અજાણ્યા નંબર પરથી તેમને 'Bank of India pension card verification online' નામની બીજી એક APK ફાઇલ મોકલવામાં આવી હતી. આ ફાઇલ ઓપન કરતા જ નિતિનભાઈના મોબાઇલમા બેંક ઓફ ઇન્ડિયાની એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. ફોનમાં અચાનક અનિચ્છનીય ફેરફારો જોઈને તેમને શંકા ગઈ, જેથી તેમણે તરત જ તે એપ ડિલીટ કરી દીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું અને સાયબર અસામાજિક તત્વોએ ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો.
બેંક ખાતામાંથી 17 ટ્રાન્ઝેક્શન દ્વારા લાખોની સફાચટ
બીજા જ દિવસે સવારે નિતિનભાઈના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેમના બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી રૂ. 11,800 ડેબિટ થઈ ગયા છે અને બેલેન્સ માત્ર રૂ. 32.95 બચ્યું છે. આ મેસેજ જોઈને ગભરાઈ ગયેલા વૃદ્ધે તુરંત બેંકની શાખામાં રૂબરૂ જઈ તપાસ કરી હતી. બેંકમાં તપાસ કરતા અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી. હેકર્સે તેમના બંને સેવિંગ એકાઉન્ટ સાથે લિંક થયેલું મૂળ ઈ-મેઈલ આઈડી બદલી નાખ્યું હતું. બેંક સ્ટેટમેન્ટ ચેક કરતાં માલૂમ પડ્યું કે હેકર્સે અલગ-અલગ 17 ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ. 9,77,800ની માતબર રકમ ઉપાડી લીધી હતી.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પોતાની સાથે થયેલી આ મોટી છેતરપિંડી અંગે નિતિનભાઈ હાથીએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અજાણ્યા સાયબર ઠગો સામે ગુનો નોંધીને તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. તહેવારો અને વેકેશનના સમયે ઓનલાઇન બુકિંગ કરતી વખતે કોઈપણ અજાણી લિંક, એપ્લિકેશન કે APK ફાઇલ ડાઉનલોડ ન કરવા સાયબર એજન્સીઓ અને પોલીસ દ્વારા નાગરિકોને વારંવાર અપીલ કરવામાં આવે છે.








