Bardoli fire incident Gujarat: રાજ્યમાં આગ લાગવાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં અચાનક ભીષણ આગની ઘટના સર્જાઈ છે. બારડોલી વિસ્તારમાં 11થી વધુ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા તંત્ર અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
2 કિલોમીટર દૂરથી પણ આગની જ્વાળાઓ દેખાઈ
પ્રાથમિક માહિતી પ્રમાણે ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને ભંગારનો સામાન ભરેલો હતો. આગ એટલી ભયાનક હતી કે તેના ધૂમાડાના ગોટેગોટા 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય એવી સ્થિતિ ઉભી થઇ હતી. આગ ફૂટતાં જ આસપાસના વિસ્તારના લોકો દોડતા થયા. ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પ્રાંત અધિકારે તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કર્યો હતો.
સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે
ફાયર વિભાગના 15થી વધુ દળોએ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવા માટેની કામગીરી શરૂ કરી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પ્લાસ્ટિકના માલના કારણે આગને કાબૂમાં કરવી ખુબ જ મુશ્કેલ થઈ રહી હતી. આ ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી. લોકોને સ્થળ છોડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને આસપાસના વિસ્તારોમાંથી લોકો સુરક્ષિત જગ્યાએ ખસેડાયા.
સદ્ભાગ્યે, કોઈ જાનહાનિ નહીં
સદ્ભાગ્યે, અત્યાર સુધી કોઈ જાનહાનિ થવાની ઘટના સામે આવી નથી. ફાયર બ્રિગેડ આગ ઓલવી રહ્યું છે, અને તંત્ર સ્થળ પર સંપૂર્ણ રીતે તત્પર છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ભંગારના ગોડાઉનમાં મોટાં પ્રમાણમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ વસ્તુઓ છે.
થોડા દિવસ પહેલા પણ બની હતી આવી જ ઘટના
આ અગાઉ થોડા દિવસ પહેલા પણ સુરતના ઉમરા-વેલંજા રોડ પર રંગોલી ચોકડી પાસે આવેલા પતરાંના શેડનાં ગોડાઉન અને દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગથી આસપાસમાં રહેલી ટાયર સહિતની અન્ય ત્રણ દુકાનો પણ ઝપેટમાં આવી હતી.








