Gujju Love Guru death:"જિંદગીની કોઈ ગેરંટી નથી..." આ શબ્દો કોઈ ફિલસૂફના નથી, પરંતુ લોકોને પેટ પકડીને હસાવતા લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરૂ'ના છેલ્લા વીડિયોના સંવાદ હતા. કમનસીબી એ રહી કે જે વાક્ય તેમણે કેમેરા સામે બોલ્યું, તેના ગણતરીના કલાકોમાં જ તે તેમની વાસ્તવિકતા બની ગયું. બનાસકાંઠાના ભાભર સ્થિત હરિધામ ગૌશાળા નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઇક સ્લિપ થતાં ચંદન રાઠોડનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. શૂટિંગ પૂરું કરીને પરિવારને મળવાની આશાએ નીકળેલો એક નવોદિત કલાકાર રસ્તામાં જ કાળનો કોળિયો બની ગયો.
મોતની પહેલાની અંતિમ ક્ષણો થઈ CCTVમાં કેદ
અકસ્માત પહેલાં સામે આવેલા સીસીટીવી ફૂટેજે સૌ કોઈના કાળજા કંપાવી દીધા છે. વીડિયો શૂટિંગ પૂર્ણ કર્યા બાદ ઘરે પરત ફરતી વખતે ચંદન રાઠોડે એક પેટ્રોલ પંપ પર પોતાની બાઇકમાં છેલ્લીવાર પેટ્રોલ પુરાવ્યું હતું. ત્યાંથી નીકળ્યાના માત્ર ત્રણથી ચાર કિલોમીટરના અંતરે જ કાળ તેમની રાહ જોઈને બેઠો હતો. પેટ્રોલ પંપ પર સામાન્ય દિવસની જેમ બાઇક ચલાવતા દેખાતા ચંદનનું ગણતરીની મિનિટો બાદ માર્ગ પર લોહીલુહાણ હાલતમાં મળવું એ વાત દર્શાવે છે કે માનવજીવન કેટલી ક્ષણભંગુર બાબત છે.
સંઘર્ષની રાખમાંથી સોશિયલ મીડિયા સ્ટાર
ચંદન રાઠોડની આ વિદાય માત્ર એક હાસ્ય કલાકારનું મોત નથી પરંતુ, સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા હજારો યુવાનો માટે એક મોટો આંચકો છે. પાકિસ્તાન સરહદ નજીક આવેલા સુઈગામના એક સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદનના પિતા મજૂરી કરી અને ત્રીજા ભાગે જમીન વાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આર્થિક સંકડામણના કારણે ચંદન મોરબીમાં નોકરી કરવા ગયો હતો, પરંતુ અંદર રહેલી કલા તેને જંપવા દેતી નહોતી. નોકરી છોડી સુઈગામ પાછા આવી તેણે પોતાની વાવ-થરાદની દેશી બોલી અને ગ્રામ્ય વાસ્તવિકતાને કોમેડીનું માધ્યમ બનાવ્યું. ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ અને યુટ્યુબ પર 10 લાખથી વધુ ચાહકો બનાવી તેણે સરહદી ગામનું નામ આખા ગુજરાતમાં ગૂંજતું કર્યું હતું.
ભાભર હોસ્પિટલ પહોંચ્યા સાંસદ ગેનીબેન ઠાકોર
અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં ચાહકો અને પરિચિતો ભાભર હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. ગેનીબેને ચંદનના છેલ્લા વીડિયોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ચંદને મોતના ચાર કલાક પહેલાં જ વીડિયોમાં કહ્યું હતું કે જિંદગીની કોઈ ગેરંટી નથી. આ દર્દનાક ક્ષણે તેમણે યુવા પેઢીને અપીલ કરી હતી કે, ઝડપની લ્હાયમાં જિંદગી ન ગુમાવો, બાઇક હંમેશાં ધીમી ગતિએ ચલાવો અને હેલ્મેટનો ઉપયોગ અચૂક કરો જેથી આવા પ્રતિભાશાળી યુવાનો અકાળે ન છીનવાય.
અશ્રુભીની આંખે અંતિમ વિદાય
પોતાની આગવી અદા અને નિર્દોષ હાસ્યથી લોકોને હસાવનાર ચંદન રાઠોડ જ્યારે અંતિમ યાત્રાએ નીકળ્યા ત્યારે સમગ્ર સુઈગામ પંથક હિબકે ચડ્યું હતું. જે યુવાન થોડા સમય પહેલાં ગામના ચોરે હાસ્ય રેલાવતો હતો, તેનું પાર્થિવ શરીર ગામના સ્મશાન તરફ આગળ વધી રહ્યું હતું. મુશ્કેલ સંજોગોમાંથી બહાર આવીને પરિવારનો આર્થિક આધાર બનેલા એક આશાસ્પદ દીકરાને અગ્નિદાહ અપાતાં જ ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી. ડિજિટલ પડદા પર કાયમ હસતો ચહેરો રાખનાર 'ગુજ્જુ લવ ગુરૂ' હંમેશ માટે અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા.








