Violence Over Broken Engagement: બનાસકાંઠાના ડીસા તાલુકાના શેરપુરા ગામમાં સગાઈ તોડવાના મુદ્દે બે જૂથ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદ ઉગ્ર બોલાચાલીથી વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જાટ સમાજમાં બનેલી આ ઘટનાએ ગામમાં ચકચાર મચાવી દીધી છે. શરૂઆતમાં વાદ-વિવાદ થયા બાદ બંને પક્ષ આમને સામને આવી ગયા હતા અને પરિસ્થિતિ બેકાબૂ બની હતી.
લાકડીઓ અને ધોકાથી હુમલો, અનેક લોકોને ઈજા
માહિતી મુજબ, બંને જૂથ વચ્ચે લાકડીઓ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો. આ અથડામણમાં અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અચાનક થયેલી આ મારામારીથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો.
પોલીસમાં ફરિયાદ નોંધાઈ, તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ મામલો ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે, પરંતુ ગામમાં હજુ પણ તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.








