Ahmedabad AMC news: અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ ફળ-શાકભાજીનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ટ્રીટ વેન્ડર્સને હવે પોતાની વેચાણ પ્રવૃત્તિઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિર્ધારિત શાકભાજી માર્કેટ અને અન્ય નક્કી કરાયેલા સ્થળોએ જ કરવાની સૂચના આપવામાં આવી છે.
વેન્ડર્સને નિર્ધારિત સ્થળોએ જ વેપાર કરવાની અપીલ
AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર માર્ગો અને ફૂટપાથ પર ફળ-શાકભાજીનું વેચાણ કરવાથી ટ્રાફિક વ્યવસ્થાને અસર થવાની સાથે રાહદારીઓને પણ મુશ્કેલી પડી શકે છે. શહેરમાં વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની અવરજવર સુગમ બનાવવા માટે વેન્ડર્સને નિર્ધારિત સ્થળોએ જ વેપાર કરવાની અપીલ કરવામાં આવી છે.
નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે
નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્ટ્રીટ વેન્ડર્સ સામે એન્ક્રોચમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ માલસામાન જપ્ત કરવા ઉપરાંત નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આથી રસ્તા કે ફૂટપાથ પર વેચાણ કરતા વેપારીઓને નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
સ્ટ્રીટ વેન્ડર્સ અને નાગરિકોને સહકાર આપવા અપીલ
શહેરની ટ્રાફિક વ્યવસ્થા, જાહેર માર્ગોની સુગમતા અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે AMCએ તમામ સ્ટ્રીટ વેન્ડર્સ અને નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. નિર્ધારિત શાકભાજી માર્કેટ તથા મંજૂર કરાયેલા સ્થળોએ જ ફળ-શાકભાજીનું વેચાણ કરવા જણાવાયું છે.








