Babra Wife Murder Case: અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ઘરકંકાસની આશંકા વચ્ચે એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતની કરુણ ઘટના સામે આવી છે. બાબરાની ખોજા શેરીમાં પત્ની શારદાબેનની હત્યા કર્યા બાદ પતિ વિનોદભાઈ ગોહેલ પુત્ર રોહનને લઈને ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પહોંચ્યા હતા. અહીં પિતા-પુત્રએ અલગ-અલગ રૂમમાં ઝેરી દવા પી લેતાં બંનેનાં મોત થયાં હતાં. બીજી તરફ, બાબરામાંથી શારદાબેનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
બાબરામાં ઘરમાંથી મળી પત્નીની લોહીલુહાણ લાશ
પ્રાથમિક માહિતી મુજબ, બાબરાની ખોજા શેરીમાં રહેતાં 42 વર્ષીય શારદાબેન વિનોદભાઈ ગોહેલની લાશ તેમના રહેણાંક મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતાં બાબરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP સહિતની પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે શારદાબેનના પતિ વિનોદભાઈએ ઘરકંકાસના કારણે ધોકા અને પથ્થર વડે હુમલો કરીને તેમની હત્યા કરી હતી.
પત્નીની હત્યા બાદ પુત્રને લઈને કાદીપુર પહોંચ્યો
પત્નીની હત્યા કર્યા બાદ વિનોદભાઈ મકાન બંધ કરીને પોતાના પુત્ર રોહનને સાથે લઈ ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પહોંચ્યા હતા. અહીં ગત રાત્રે પિતા-પુત્રએ અલગ-અલગ રૂમમાં ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસરથી બંનેનાં મોત નીપજ્યાં હતાં. મળતી માહિતી મુજબ, વિનોદભાઈ અગાઉ કાદીપુર ગામે રહેતા હતા અને થોડા સમય પહેલાં જ બાબરાની ખોજા સોસાયટીમાં રહેવા આવ્યા હતા. તેઓ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
પરિવારમાં ચાલતા ઘરકંકાસની આશંકા
પ્રાથમિક માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી પરિવારમાં બોલાચાલી અને ઘરકંકાસ ચાલી રહ્યો હતો. જોકે, આ કરુણ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા તમામ પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
બાબરા અને ધોલેરા પોલીસ દ્વારા તપાસ
DYSP મુજબ, બાબરામાં મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પુત્ર સાથે ધોલેરા વિસ્તારમાં જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. બાબરા પોલીસ દ્વારા મહિલાની હત્યાના મામલે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતની આ ઘટનાથી બાબરા અને ધોલેરા પંથકમાં શોકનો માહોલ છવાયો છે.








