મારું ગુજરાત

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ

6 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ

Surat News: સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો અને ઝોન કચેરીઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ગણાતા ‘આયુષ્માન કાર્ડ’માં મસમોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. સુરત પાલિકાના વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યો છે કે, સરકારી યોજનાનો લાભ લેવા માંગતા નિર્દોષ નાગરિકો પાસેથી કાર્ડ રિન્યુ કરાવવાના નામે ₹4000 જેટલી મોટી રકમ પડાવાઈ રહી છે. જો અરજદાર નાણાં આપવા તૈયાર ન થાય, તો તેની ફાઈલ મહિનાઓ સુધી પેન્ડિંગ રાખીને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ મામલે હવે સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

એજન્ટો અને કર્મચારીઓની મિલીભગતનો ખેલ
વિપક્ષી કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં ચોંકાવનારી વિગતો રજૂ કરી છે. આરોપ છે કે જે અરજદારો વચેટિયાઓ કે એજન્ટો મારફતે ₹4000ની ચૂકવણી કરે છે, તેમના કાર્ડ માત્ર 2 કલાકની અંદર એપ્રુવ થઈ જાય છે. બીજી તરફ, જે ગરીબ નાગરિકો નિયમ મુજબ ફોર્મ ભરીને રાહ જુએ છે, તેમને 1 થી 2 મહિના સુધી ધક્કા ખવડાવવામાં આવે છે અથવા તેમની અરજી ‘ક્વેરી’ કાઢીને પેન્ડિંગ રાખવામાં આવે છે. આમ, સરકારી કચેરીઓ હવે એજન્ટોના અડ્ડા બની ગઈ હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

મજબૂરીનો ફાયદો ઉઠાવતા વચેટિયાઓ બેફામ
આયુષ્માન ભારત યોજના ગંભીર બીમારીઓ વખતે ગરીબ પરિવારો માટે સંજીવની સમાન છે. પરંતુ સુરતમાં આ સંવેદનશીલ યોજના હવે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે. વિપક્ષનો આક્ષેપ છે કે સરકારી વિભાગના અમુક ભ્રષ્ટ કર્મચારીઓ અને વચેટિયાઓની મિલીભગત વગર આટલા મોટા પાયે ગેરરીતિ શક્ય નથી. જ્યારે દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હોય છે, ત્યારે કાર્ડ રિન્યુ ન થવાને કારણે અનેક પરિવારો હોસ્પિટલોના મોંઘા બિલ ભરવા મજબૂર બને છે અથવા સારવારના અભાવે દમ તોડે છે.

કમિશનરને રજૂઆત: ‘જવાબદારોને તાત્કાલિક ફરજમુક્ત કરો’
સુરત પાલિકાના વિપક્ષી નેતાઓએ આ મામલે સીધી મ્યુનિસિપલ કમિશનર પાસે હસ્તક્ષેપની માંગણી કરી છે. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવનારા કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને તાત્કાલિક ફરજમુક્ત કરવામાં આવે. આ કૌભાંડમાં કયા ઝોનના કયા કર્મચારીઓ એજન્ટો સાથે સાંઠગાંઠ ધરાવે છે તેની તટસ્થ તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. જો વહેલી તકે પગલાં નહીં લેવાય તો વિપક્ષે આક્રમક આંદોલનની ચીમકી પણ આપી છે.

છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ
એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર ‘છેવાડાના માનવી’ સુધી યોજનાઓ પહોંચાડવાનો દાવો કરે છે, ત્યારે સુરત પાલિકાની આ ઘટના સરકારની છબી ખરડી રહી છે. આયુષ્માન કાર્ડ જેવી ફ્લેગશિપ યોજનામાં જ્યારે ₹4000 જેવી રકમ પડાવાય, ત્યારે વહીવટી પારદર્શિતા સામે મોટા સવાલો ઉભા થાય છે. ‘મોદીની ગેરંટી’ વાળા આ કાર્ડમાં એજન્ટોની ગેરંટી ચાલતી હોવાથી સામાન્ય જનતામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા પ્રશાસન આ મામલે ભીનું સંકેલે છે કે પછી કડક એક્શન લે છે.

શું થશે આગળની કાર્યવાહી?
આયુષ્માન કાર્ડ કૌભાંડ બહાર આવ્યા બાદ સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશનર આ મામલે વિજિલન્સ તપાસ સોંપી શકે છે. જોકે, ભૂતકાળમાં પણ આવા અનેક આક્ષેપો થયા છે પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે વચેટિયાઓ ફરી સક્રિય થઈ જાય છે. ભોગ બનનાર અરજદારોની માંગ છે કે કાર્ડ એપ્રુવલની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક બનાવવામાં આવે જેથી કોઈ પણ કર્મચારી કે એજન્ટ પાસે ભીખ માંગવી ન પડે.

Tags:
Ayushman Card ScamકૌભાંડછેતરપિંડીસુરતAyushman Card Update
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026