Attack on Bajrang Dal workers: અમદાવાદ શહેરના દૂધેશ્વર વિસ્તારમાં એક સામાન્ય અકસ્માતની ઘટના અચાનક હિંસક બની ગઈ હતી. વાહન અડકાવાની નાની બાબતને કારણે વિવાદ ઉગ્ર બનતા ટોળાએ બજરંગ દળના કાર્યકર્તાઓને નિશાન બનાવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. માહિતી મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને બજરંગ દળ સાથે જોડાયેલા 21 વર્ષીય આશિષ નાગોરા પોતાના મિત્ર સાથે દૂધેશ્વર મહાકાળી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની એક્ટિવા એક વૃદ્ધ વ્યક્તિ સાથે અડી જતાં બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતો આ વિવાદ થોડી જ વારમાં ઉગ્ર બની ગયો હતો.
હુમલો કરીને મારપીટ કરી રૂપિયા પણ લૂંટી લીધા
આક્ષેપો મુજબ, આસપાસના લઘુમતી સમાજના કેટલાક લોકો એકઠા થઈ જતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી. ટોળાએ આશિષ પર હુમલો કરીને મારપીટ કરી હતી અને તેમના ખિસ્સામાંથી રૂપિયા પણ લૂંટી લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા વધતા આશિષે તરત જ પોતાના સાથી કાર્યકર્તાઓ અને પોલીસને જાણ કરી હતી. થોડી જ વારમાં અન્ય કાર્યકર્તાઓ અને પોલીસ સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ તે દરમિયાન ફરીથી ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સુનીલ શર્મા નામના કાર્યકર્તા પર તીક્ષ્ણ હથિયારથી પ્રહાર કરવામાં આવ્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસકર્મીઓ યોગ્ય કાર્યવાહી કર્યા વિના સ્થળ છોડીને ચાલી ગયા
બીજી તરફ, કાર્યકર્તાઓએ પોલીસ પર પણ આક્ષેપ કર્યો છે કે હિંસક પરિસ્થિતિ સર્જાતા હાજર પોલીસકર્મીઓ યોગ્ય કાર્યવાહી કર્યા વિના સ્થળ છોડીને ચાલી ગયા હતા. જોકે, પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે ફરિયાદીને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આ સમગ્ર મામલે માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે, જ્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.








