Arvalli Police love affair: અરવલ્લીના ભિલોડાના પાદરા ગામની સીમમાં હાથમતી નદી નજીકથી ગત 10 નવેમ્બર 2026ના રોજ સળગેલી હાલતમાં અર્ટિગા કાર અને માનવ કંકાલ મળી આવ્યો હતો. જેનો ભેદ હવે અરવલ્લી અને ભિલોડા પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ મૃતદેહ ચિઠોડા પોલીસ સ્ટેશનના ASI અશ્વિન તબિયાડનો હોવાનો ખુલાસો થયો છે. જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ સમગ્ર ગુનામાં એક પ્રેમ પ્રકરણ અને અન્ય પોલીસની સંડોવણી પણ સામે આવી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ચિઠોડા પોલીસ સ્ટેશનની મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન કલાસવાએ પોતાના સગા ભાઈ કલ્પેશ, પિતરાઇ ભાઈ પંકજકુમાર અને મિત્ર મનોજકુમારની મદદથી સાથી કર્મચારી ASI અશ્વિન તબિયાડનું ઢીમ ઢાળ્યું હતું. મૃતક ASI અશ્વિન તબિયાડ મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન પ્રેમ સંબંધમાં હતા. જોકે, આલ્ફાબેનને આ સંબંધ આગળ નહતો વધારવો પરંતુ, અશ્વિન દ્વારા પ્રેમ સંબંધને ચાલુ રાખવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. આ દબાણથી કંટાળીને આલ્ફાબેને આ સમગ્ર ષડયંત્રનું આયોજન કર્યું હતું.
પ્રેમ સંબંધનો લોહિયાળ અંત
પોલીસના જણાવ્યાનુસાર, 8 અને 9 નવેમ્બરની રાત્રે આલ્ફાબેને ASIને ચિઠોડા સ્થિત પોતાના ભાડાના મકાને બોલાવ્યો હતો. અશ્વિન પોતાની અર્ટિગા કાર લઈને ત્યાં પહોંચ્યો અને રાત ત્યાં જ રોકાયો હતો. આ દરમિયાન જ સમગ્ર ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. બાદમાં 9 નવેમ્બરની સવારે આલ્ફાબેને પોતાના ભાઈ કલ્પેશને બોલાવ્યો. તે ઇકો કાર લઈને પોતાના પિતરાઇ ભાઈ પંકજકુમાર સાથે પહોંચ્યો. બાદમાં ત્રણેયે ભેગા મળીને અશ્વિન તબિયાડને કોથળામાં પેક કરી દીધો. આખો દિવસ આ કોથળો મકાનમાં રાખ્યો અને બાદમાં પંકજકુમાર અશ્વિનની અર્ટિગા લઈને નીકળ્યો અને પાછળ-પાછળ આલ્ફાબેન અને કલ્પેશ ઇકો લઈને ગયા અને અર્ટિગાને કણાદર ગામની સીમમાં જંગલ વિસ્તારમાં ધરતી માતાના મંદિર નજીક મૂકીને ત્રણેય પાછા ચિઠોડા આવી ગયા. અંધારૂ થતા જ ત્રણેય મૃતદેહને અર્ટિગા કારની સીટમાં મૂકી પેટ્રોલ છાંટી કાર સહિત મૃતદેહને સળગાવી દીધો હતો.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
આગ લગાવતી વખતે મુખ્ય આરોપી આલ્ફાબેન પોતે પણ ચહેરા અને હાથના ભાગે દાઝી ગઈ હતી, જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બની હતી. DNA સેમ્પલ અને CCTV ફૂટેજના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી મહિલા પોલીસકર્મી સહિત ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ગુનામાં વપરાયેલી રૂ. 5 લાખની ઇકો કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








