Babra Group Clash: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંડળીયા ગામમાં બે સમાજ વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણની ઘટના સર્જાતા ગ્રામ્ય વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. માહિતી મુજબ, પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ચાલતો હતો, જે ગુરુવારે રાત્રે ખુલ્લા સંઘર્ષમાં ફેરવાયો. થોડા દિવસો પહેલા ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બાઈક ચલાવવાના મુદ્દે વિવાદ થયો હતો, જે બાદ બંને પક્ષો વચ્ચે અણબનાવ વધ્યો હતો. આજે આ વિવાદ ફરી ઉગ્ર બનતાં બંને જૂથો લાકડીઓ, તલવાર અને ઘોકા વડે સામસામે આવી ગયા હતા.
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી
આ અથડામણમાં આશરે પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેને ગંભીર ઈજા થવાને કારણે તેમને રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘાયલોને બાબરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાલ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે, છતાં પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.








