Jamnagar fake ghee factory: જામનગર શહેર નજીક રવાણી ખીજડિયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતા નકલી ઘી બનાવવાના મોટા કૌભાંડનો પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ દરોડા દરમિયાન રૂ. 5,77,840 ની કિંમતનો કુલ 932 લીટર નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાંથી 500 લીટર ઘીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. આ મામલે સ્થળ પરથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
બાતમીના આધારે વાડીમાં દરોડો, મશીનરીથી ચાલતો ગોરખધંધો ઝડપાયો
મળતી માહિતી મુજબ, જામનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગરના રહેવાસી ભરત દેસાઈભાઈ ખીમસૂર્યા અને મનસુખ દેસાઈભાઈ ખીમસૂર્યા રવાણી ખીજડિયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં નકલી ઘી બનાવવાનું કામ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાં મશીનરીની મદદથી નકલી ઘી બનાવવાનો ગોરખધંધો ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
'કાઉસ પ્યોર ઘી'ના લેબલવાળા ડબ્બા કબજે, એકની ધરપકડ
દરોડા દરમિયાન 200 મિલીલીટરના 2,160 સીલબંધ ઘીના ડબ્બા મળી આવ્યા હતા, જેના પર 'કેટી બંધન - કાઉસ પ્યોર ઘી'ના લેબલ લગાવવામાં આવ્યા હતા. પોલીસે આ તમામ ડબ્બા સહિત કુલ 932 લીટર નકલી ઘીનો જથ્થો કબ્જે કર્યો છે, જેની કિંમત 5,77,840 રૂપિયા છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મનસુખ ખીમસૂર્યા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 500 લીટર નકલી ઘીનો જથ્થો ઘટનાસ્થળેથી જ નાશ કરવામાં આવ્યો છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા
પોલીસ દ્વારા દરોડા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી મળેલા ઘીના નમૂના લઈને અધિકારીઓએ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી અને તેનો માલ ક્યાં-ક્યાં સપ્લાય થતો હતો, તે દિશામાં હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.








