Food Poisoning at Anand Girls Hostel: આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત રાણક ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રિના ભોજન બાદ 200થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક લથડી હતી. મોડી રાત્રે વિદ્યાર્થિનીઓને પેટમાં અસહ્ય દુખાવો, ઝાડા અને ઉલટી જેવા ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તબિયત વધુ નાજુક જણાતાં 20થી વધુ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી હતી.
પનીરનું શાક અને ફ્રૂટ સલાડ ખાધા બાદ તબિયત બગડી
મળતી માહિતી મુજબ, હોસ્ટેલમાં રાત્રિના ભોજનમાં વિદ્યાર્થિનીઓને પનીરનું શાક અને ફ્રૂટ સલાડ પીરસવામાં આવ્યું હતું. ભોજન લીધાના થોડા કલાકોમાં જ એક પછી એક વિદ્યાર્થિનીઓની તબિયત બગડવા લાગી હતી. વાસી અથવા દૂષિત ખોરાકને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે હોસ્ટેલ તંત્રની બેદરકારી સામે વિદ્યાર્થિનીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રસોડામાં ગંદકી, અનાજમાંથી મળી જીવાત
ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સ્થાનિક તંત્રની ટીમો રાણક ગર્લ્સ હોસ્ટેલ ખાતે પહોંચી હતી. અધિકારીઓએ હોસ્ટેલના મેસ અને રસોડાની તપાસ કરતાં ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી. સ્ટોર રૂમમાં સંગ્રહ કરાયેલા અનાજમાંથી જીવાત પણ મળી આવી હતી. તપાસ ટીમે સ્થળ પરથી ખોરાકના સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે.
આરોગ્ય વિભાગે હોસ્ટેલમાં જ શરૂ કર્યો કેમ્પ
હાલ આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા હોસ્ટેલ પરિસરમાં જ કેમ્પ શરૂ કરીને વિદ્યાર્થિનીઓનું સતત હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે સમયસર સારવાર મળતાં અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. બીજી તરફ, વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય સાથે બેદરકારી દાખવનારા હોસ્ટેલ સંચાલકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.








