Gambhira bridge inauguration: આણંદ અને વડોદરાને જોડતા મહત્વના માર્ગ પર મહીસાગર નદી પર બનાવવામાં આવેલો નવો ગંભીરા બ્રિજ હવે વાહનવ્યવહાર માટે તૈયાર થઈ ગયો છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા આ બ્રિજના નિર્માણ પાછળ રૂ. 212 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 2025માં જૂનો ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ માર્ગ અને મકાન વિભાગે ઝડપથી કામગીરી હાથ ધરી હતી અને માત્ર 13 મહિનામાં નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે.
લોકાર્પણ પહેલાં બ્રિજની મજબૂતીની સઘન ચકાસણી
જૂના બ્રિજની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને નવા બ્રિજની સુરક્ષા અને ટકાઉપણાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સિવિલ કામ પૂર્ણ થયા બાદ પણ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકતા પહેલાં તેની મજબૂતીની વિવિધ સ્તરે ચકાસણી કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગની ટીમે બ્રિજની ગુણવત્તા અને ભાર સહન કરવાની ક્ષમતા જાણવા માટે ત્રણ અલગ પ્રકારના ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
280 ટન વજન મૂકીને તમામ 23 સ્પાનની ચકાસણી
બ્રિજ પર કરવામાં આવેલા ટેસ્ટમાં પ્રથમ ‘પુલ આઉટ ટેસ્ટ’ દ્વારા પિલર્સ, સ્લેબ અને ગર્ડરમાં વપરાયેલા સળિયા તથા એન્કર બોલ્ટની કોંક્રિટ સાથેની પકડ તપાસવામાં આવી હતી. ત્યારબાદ આધુનિક સેન્સર્સની મદદથી ‘વાઇબ્રેશન મોનિટરિંગ ટેસ્ટ’ કરીને વાહનોની અવરજવર દરમિયાન બ્રિજમાં થતી ધ્રુજારીનું માપન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એન્જિનિયરોની ટીમે ‘ફિઝિકલ ટેસ્ટ’ હેઠળ તમામ 23 સ્પાન પર આશરે 280 ટન વજન મૂકીને બ્રિજની ભાર વહન કરવાની ક્ષમતાની પણ ચકાસણી કરી હતી.
પિલર્સના રક્ષણ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ
નવા ગંભીરા બ્રિજના નિર્માણમાં મહીસાગર નદીના પાણીના ઝડપી પ્રવાહથી પાયાને સુરક્ષિત રાખવા માટે ‘પ્રિકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ’ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિશેષ કોંક્રિટ સ્તર નદીના પાણીના પ્રહાર ઉપરાંત પથ્થરોના ઘસારા અને રાસાયણિક અસરો સામે બ્રિજના પિલર્સને રક્ષણ આપવાનું કામ કરશે. જરૂરી ટેકનિકલ પરીક્ષણો પૂર્ણ થઈ જતાં હવે બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો માર્ગ સાફ થયો છે.
મુસાફરોને સમય અને ઈંધણની બચત થશે
નવો ગંભીરા બ્રિજ શરૂ થતાં આણંદ, વડોદરા અને મધ્ય ગુજરાતમાંથી દક્ષિણ ગુજરાત તરફ જતા વાહનચાલકોને વધુ સરળ અને ઝડપી માર્ગ મળશે. જૂના બ્રિજના ધરાશાયી થયા બાદ સર્જાયેલી મુશ્કેલીઓમાં પણ ઘટાડો થશે. બ્રિજ શરૂ થયા બાદ મુસાફરીનો સમય અને ઈંધણ બંનેમાં બચત થવાની સાથે વેપાર અને રોજગાર સંબંધિત વાહનવ્યવહારને પણ વેગ મળવાની અપેક્ષા છે.








