4 year old child dies: અમરેલી જિલ્લાના ગરીયા ગામે કપાસના ઢગલામાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી જતાં ચાર વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતકની ઓળખ ગણેશ તોલસીંગ ભુરીયા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ, બાળક કપાસના ઢગલા પર સૂતો હતો ત્યારે અન્ય બાળકો રમતાં-રમતાં ત્યાં આગ લગાવી દીધી હતી. આ દુર્ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કપાસનો ઢગલો એકઠો કરવામાં આવ્યો હતો
પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, ગરીયા ગામની એક વાડીએ કપાસનો ઢગલો એકઠો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કપાસના ઢગલામાં આગ લાગી હતી, જેમાં સૂતેલો ગણેશ ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાની જાણ થતાં બાળકને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલની પોલીસ ચોકી દ્વારા આ અંગે અમરેલી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અમરેલી પોલીસનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.
ગણેશ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક બાળકનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો વતની છે અને રોજગારી માટે અહીં આવ્યો હતો. ગણેશ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. અન્ય બાળકોની રમત દરમિયાન કપાસના ઢગલામાં આગ લાગવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ચાર વર્ષના બાળકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અમરેલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આગ કેવી રીતે લાગી અને ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગે તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.








