Amreli Congress President Assault: અમરેલી શહેરમાં મોડી રાત્રે યુવક પર કીટલી વડે હુમલો કરવાના આરોપમાં કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાવરકુંડલા બાયપાસ રોડ પર RTO ઓફિસ નજીક બનેલી આ ઘટનામાં ધર્મકુમાર જાગૃતભાઈ જોષીપુરાને માથાના ભાગે 4થી 5 ઘા મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ઈજાગ્રસ્ત યુવકને માથામાં 9 ટાંકા આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. સમગ્ર મારામારીની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે.
15 સેકન્ડમાં 5 ઘા માર્યાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, ધર્મકુમાર મોડી રાત્રે સાવરકુંડલા બાયપાસ રોડ પર RTO ઓફિસ પાસે આવેલી રાજચામુંડા દુકાન પર માવો-મસાલો લેવા ગયા હતા. તે સમયે સંદીપ ધાનાણી પણ ત્યાં હાજર હતા. કોઈ કારણસર ધર્મકુમારને ત્યાંથી જતા રહેવા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ સંદીપ ધાનાણીએ ચાના કાઉન્ટર પરથી કીટલી ઉઠાવી યુવકના માથાના ભાગે વાર કર્યા હોવાનો આક્ષેપ છે. CCTV ફૂટેજમાં આશરે 15 સેકન્ડના સમયગાળામાં યુવક પર પાંચ જેટલા ઘા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હુમલામાં ધર્મકુમારના માથામાં ગંભીર ઈજા થતાં તેમને 9 ટાંકા આવ્યા હતા. શરૂઆતમાં અમરેલીમાં સારવાર બાદ વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકીનો પણ આક્ષેપ
હુમલા બાદ સંદીપ ધાનાણીએ ધર્મકુમારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે સંદીપ ધાનાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોણ છે સંદીપ ધાનાણી?
સંદીપ ધાનાણી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ છે. તેઓ ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના કુટુંબના સગા થાય છે. જોકે, ઈજાગ્રસ્ત ધર્મકુમારની પત્ની લતા જોષીપુરાએ સ્પષ્ટતા કરી છે કે સંદીપ ધાનાણી પરેશ ધાનાણીના સગા ભાઈ નથી, પરંતુ તેમના કાકાના દીકરા એટલે કે પિતરાઈ ભાઈ થાય છે. ઘટનાને પગલે અમરેલી શહેરમાં રાજકીય ચર્ચા પણ તેજ બની છે. લતા જોષીપુરાના જણાવ્યા મુજબ, હાલ તેમના પતિનું સીટી સ્કેન કરાવવાનું કહેવામાં આવ્યું છે. બીજી તરફ, પોલીસ ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








