Amit Shah Ahmedabad SG Highway flyover inauguration: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોમવારે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવતા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિકાસની વણઝાર લગાવી દીધી હતી. રાણીપ એસ.ટી. બસ સ્ટેન્ડ સામેના ગ્રાઉન્ડમાં બપોરે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹1,024 કરોડના 30 જેટલા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પશ્ચિમ અમદાવાદના ઘણા મુખ્ય વિસ્તારો અને એસ.જી. હાઈવેનો મોટો હિસ્સો અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવે છે.

એસ.જી. હાઈવે પર ટ્રાફિક સમસ્યા હલ કરતો ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજ
આ કાર્યક્રમનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ આકર્ષણ એસ.જી. હાઈવે (SG Highway) પર નિર્માણ પામેલો નવો ફ્લાયઓવર હતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ₹464 કરોડના માતબર ખર્ચે તૈયાર કરાયેલા ઇસ્કોન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના આ એલિવેટેડ કોરિડોર (ઓવરબ્રિજ) ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ રૂટ પર દરરોજ 2 લાખથી વધુ વાહનોની અવરજવર રહે છે. આ બ્રિજ શરૂ થવાથી ખાસ કરીને સૌરાષ્ટ્રથી ગાંધીનગર તરફ આવ-જા કરતા મુસાફરોને ટ્રાફિક જામમાંથી કાયમી મુક્તિ મળશે અને તેમની યાત્રા ઝડપી બનશે.
જોધપુર નોલેજ હબ અને ગોતા અર્બન હેલ્થ સેન્ટરની ભેટ
બ્રિજ ઉપરાંત, અન્ય મહત્વના પ્રોજેક્ટ્સમાં અમદાવાદના જોધપુર વિસ્તારમાં અત્યાધુનિક 'જોધપુર નોલેજ હબ' અને ગોતા વિસ્તારમાં લોકોની આરોગ્ય સુખાકારી માટે 'અર્બન હેલ્થ સેન્ટર'નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બંને પ્રોજેક્ટ સ્થાનિક નાગરિકો, ખાસ કરીને યુવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

EWSના લાભાર્થીઓને ફાળવ્યા મકાનો, ડ્રો યોજાયો
વિકાસના કામોની સાથે સાથે આ કાર્યક્રમમાં ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના પરિવારો માટે આવાસ ફાળવણી (Housing Allotment) નો મોટો ડ્રો પણ યોજવામાં આવ્યો હતો. અમદાવાદના મેયર હિતેશ બારોટે માહિતી આપતા જણાવ્યું કે, AMC દ્વારા શહેરમાં 11 અલગ અલગ સ્થળોએ કુલ 7,800 જેટલા EWS આવાસો બનાવવામાં આવ્યા છે, જેના માટે કોર્પોરેશનને 97,000 થી વધુ અરજીઓ મળી હતી. તમામ અરજીઓની ખરાઈ કર્યા બાદ સોમવારે અમિત શાહની હાજરીમાં પારદર્શક કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજીને જરૂરિયાતમંદ પરિવારોને તેમના પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં આવ્યું હતું.

રામાપીરના ટેકરે 1,000 તૈયાર મકાનોનું લોકાર્પણ
આ ઉપરાંત, વાડજ વિસ્તારમાં આવેલા અતિ પછાત 'રામાપીરના ટેકરા' પર જે ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના ચાલી રહી છે, તે અંતર્ગત તૈયાર થઈ ગયેલા લગભગ 1,000 જેટલા પાકા મકાનોની ચાવીઓ અને દસ્તાવેજો પણ અમિત શાહના હસ્તે લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હતા. દાયકાઓથી ઝૂંપડામાં રહેતા પરિવારો માટે પોતાના પાકા મકાનમાં શિફ્ટ થવું એ દિવાળીના સૌથી મોટા આશીર્વાદ સમાન હતું. અમિત શાહે પોતાના સંબોધનમાં ગુજરાત સરકાર અને AMC ની વિકાસલક્ષી કામગીરીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્ય સરકાર 'ડબલ એન્જિન' થી ગુજરાતના શહેરોના માળખાગત વિકાસ માટે સતત કટિબદ્ધ છે.








