AMC New Road Rules: અમદાવાદ શહેરમાં બનતા તમામ નવા રસ્તાઓ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર અને રોડના કામની સંપૂર્ણ વિગતો ધરાવતી પથ્થરની તકતી લગાવવી ફરજિયાત રહેશે.
જનતાને મળશે રોડની સંપૂર્ણ માહિતી
અગાઉ રોડની વિગતો કલરથી લખાયેલા બોર્ડ પર દર્શાવવામાં આવતી હતી, પરંતુ થોડા સમય બાદ આ માહિતી ભૂંસાઈ જતી હતી. હવે પથ્થરની તકતી લગાવવામાં આવવાથી રોડનું કામ કોણે કર્યું, ક્યારે પૂર્ણ થયું અને તેની જવાબદારી કોની છે તેની માહિતી લાંબા સમય સુધી ઉપલબ્ધ રહેશે. AMC દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ નવા રોડ પર જરૂરી તકતી લગાવવામાં નહીં આવે તો સંબંધિત કોન્ટ્રાક્ટરના બિલનું પેમેન્ટ અટકાવી શકાય છે. રોડના ગેરેન્ટી પિરિયડ દરમિયાન તેની ગુણવત્તા અને જાળવણીની જવાબદારી પણ કોન્ટ્રાક્ટર પર રહેશે.
પથ્થરની તકતીમાં કઈ વિગતો હશે?
નવા નિયમ મુજબ રોડના બંને છેડે લગાવવામાં આવતી તકતીમાં નીચેની વિગતો દર્શાવવાની રહેશે:
રોડનું નામ અને કામગીરીની સંપૂર્ણ વિગતો
સંબંધિત ઝોન અને વોર્ડની માહિતી
કામ પૂર્ણ કરવાની નિર્ધારિત તારીખ
ગેરેન્ટી અને ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ
કોન્ટ્રાક્ટરનું નામ અને ફોન નંબર
AMCનો ટોલ-ફ્રી નંબર
જો રોડનું કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ ન થાય અને સમયમર્યાદામાં ફેરફાર કરવામાં આવે તો તેની માહિતી દર્શાવતી સુધારાની અલગ તકતી પણ લગાવવાની રહેશે.
₹136 કરોડના 7 મોડલ રોડની દરખાસ્ત મોકૂફ
બીજી તરફ, AMCના ઈજનેર વિભાગની કામગીરીને લઈને પણ સવાલો ઊભા થયા છે. રાજ્ય સરકારે શહેરી વિસ્તારોના આંતરિક રસ્તાઓ RCCથી બનાવવાનો નિર્ણય કર્યો હોવા છતાં રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સાત મોડલ રોડ ડામરથી બનાવવાની આશરે ₹136 કરોડની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તમાં બિટ્યુમીન એટલે કે ડામરના ભાવમાં થતા તફાવતની ચૂકવણીની શરત પણ સામેલ કરવામાં આવી હતી. રોડ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીની બેઠક દરમિયાન આ વિસંગતતા સામે આવતા દરખાસ્તને હાલ મોકૂફ રાખવામાં આવી છે. હવે સરકારી નિયમ મુજબ રસ્તાઓ RCCથી બનાવવા માટે નવા પ્લાન, એસ્ટિમેટ અને અન્ય જરૂરી વિગતો તૈયાર કરવા ઈજનેર વિભાગને સૂચના આપવામાં આવી છે.








