AMC food department: અમદાવાદમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે ફૂડ વિભાગ દ્વારા વિવિધ ખાદ્ય એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોખ્ખા ઘીના નામે વેજીટેબલ ફેટ વેચવાની શંકા, રસોડામાં અસ્વચ્છતા, વપરાયેલા રસોઈના તેલમાં નિયત મર્યાદા કરતાં વધુ TPC અને એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. નિયમોના ઉલ્લંઘન બદલ ફૂડ વિભાગે શહેરના ચાર ખાદ્ય એકમોને સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વેજીટેબલ ફેટ વેચવામાં આવતી હોવાની શંકા
ચાણપુરના શ્રીજી ડેરી પાર્લરમાં તપાસ દરમિયાન ચોખ્ખા ઘીના નામે વેજીટેબલ ફેટ વેચવામાં આવતી હોવાની શંકા સામે આવી હતી. અગાઉ લેવામાં આવેલા ઘીના નમૂનામાં પણ વેજીટેબલ ફેટ મળી આવી હોવાનું જણાવાયું છે. બીજી તરફ, જુહાપુરાના મજલિસ રેસ્ટોરન્ટના રસોડામાં સ્વચ્છતા અને સેનિટેશનની યોગ્ય વ્યવસ્થા જોવા મળી નહોતી. FSSAIના શેડ્યૂલ-4 મુજબના હાઇજીન નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા બંને એકમો સામે સીલની કાર્યવાહી કરવામાં આવી હતી.
TPCનું પ્રમાણ 32.1 ટકા નોંધાયું હતું
ઇસનપુરના રાજસ્થાન દાળવડા સેન્ટરમાં વપરાયેલા રસોઈના તેલની તપાસ દરમિયાન TPCનું પ્રમાણ 32.1 ટકા નોંધાયું હતું. નિયમ મુજબ વપરાયેલા રસોઈના તેલમાં TPCનું પ્રમાણ 25 ટકાથી વધુ હોય તો તેનો ખાદ્ય પદાર્થો બનાવવા માટે ઉપયોગ કરી શકાતો નથી. આ ઉપરાંત રાણીપના શાંતિનાથ જૈન ગૃહ ઉદ્યોગમાં મળેલી ફરિયાદના આધારે તપાસ કરતાં એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. નિયમોના ભંગ બદલ આ બંને એકમોને પણ સીલ કરવામાં આવ્યા છે.
રસોઈના તેલની ગુણવત્તા જેવી બાબતો ચકાસવામાં આવશે
ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના ખાદ્ય એકમોમાં તપાસ ચાલુ રાખવામાં આવશે. તપાસ દરમિયાન FSSAI લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન, સ્વચ્છતા-સેનિટેશન, ખાદ્ય પદાર્થોના સંગ્રહની વ્યવસ્થા, એક્સપાયર્ડ સામગ્રી તેમજ રસોઈના તેલની ગુણવત્તા જેવી બાબતો ચકાસવામાં આવશે. તંત્રએ ખાદ્ય એકમોને વપરાયેલા રસોઈના તેલનો યોગ્ય નિકાલ કરવા અને તેના ઉપયોગ તથા નિકાલનો રેકોર્ડ જાળવવા સૂચના આપી છે. નિયમોનું પાલન નહીં કરનાર એકમો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.








