Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે બુધવારે યોજાયેલી રીવ્યૂ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરની વિવિધ તાત્કાલિક સમસ્યાઓ અંગે અધિકારીઓને સખત શબ્દોમાં ચેતવણી આપી હતી. શહેરમાં વધી રહેલી પાર્કિંગની સમસ્યાઓ, રોગચાળો, રોડ વર્ક, ફાયર NOC વિનાની હોસ્પિટલ તેમજ શહેરના પ્લાનિંગ માટે જરૂરી ડેટા રજૂ કરવામાં થયેલી ભૂલો અંગે કમિશનરે અનેક વિભાગોને ખુલ્લેઆમ ખખડાવ્યા હતા. સમગ્ર બેઠક દરમિયાન કમિશનરે નાગરિકોની હાલાકી અંગે ચિંતિત થઈ અનેક કડક સૂચનો આપ્યા હતા.
પાર્કિંગ વ્યવસ્થા પર કમિશનરનો આકરો સવાલ
શહેરમાં પે એન્ડ પાર્ક સિસ્ટમ હેઠળ કેટલા વાહનો પાર્ક છે અને કેટલા પ્લોટ ખાલી છે તેની સચોટ માહિતી મળી રહે તે માટે AMC પાસે કોઈ એપ અથવા મોનિટરિંગ સિસ્ટમ છે કે નહીં, તે અંગે કમિશનરે સવાલ કર્યો. ઇ-ગવર્નન્સ વિભાગના અધિકારીએ સેન્સર લગાવવાનું બાકી હોવાથી માહિતી ઉપલબ્ધ નથી તેવી જાણ કરતાં કમિશનર સીધા જ નારાજ બન્યા હતા.
"તમારી પાસે ઓફિસની કાર અને ડ્રાઇવર છે તેથી તમને હાલાકી નહિ પડે"
કમિશનરે અધિકારીને સખત શબ્દોમાં કહ્યું, “તમારી પાસે ઓફિસની કાર અને ડ્રાઇવર છે તેથી તમને હાલાકી નહિ પડે. તમે નાગરિક બનીને વિચારશો તો જ ખબર પડશે કે આમ જનતાને કેટલી મુશ્કેલી પડે છે.” કમિશનરે પાર્કિંગની સમસ્યાને તાત્કાલિક ઉકેલવા ટેકનોલોજી આધારિત મોનીટરિંગ સિસ્ટમ ઝડપથી અમલમાં લાવવા આદેશ આપ્યો.
પ્લાનિંગ અને ફાઇનાન્સ વિભાગના DYMCને ખખડાવ્યા
રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટો માટે તૈયાર કરાયેલા રીવ્યૂ પ્રેઝન્ટેશનમાં જરૂરી ડેટા પૂરો ન હોવાને લઈને કમિશનરે પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ ઠપકો આપ્યો. કમિશનરે તીખી ટોનમાં કહ્યું, “આવા ડેટા વગરનું પ્રેઝન્ટેશન મંજૂર નહીં. તમે DYMC પદ માટે લાયક છો કે નહીં એ અંગે શંકા થાય છે.” AMCના મહત્વના પ્રોજેક્ટોમાં ડેટાની ખામીઓને “પ્રશાસનિક બેદરકારી” ગણાવી કમિશનરે આગળથી તમામ પ્રેઝન્ટેશન ડેટા આધારિત અને જવાબદારીપૂર્ણ બનાવવાનો આદેશ આપ્યો.
પૂર્વ વિસ્તારમાં વધતા રોગચાળો અંગે આરોગ્ય વિભાગ પર આકરી ટિપ્પણી
બેઠક દરમિયાન કમિશનરે AMCના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં વધી રહેલા રોગચાળો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. રોગચાળો ફેલાતા હોવા છતાં આરોગ્ય અધિકારીઓ દ્વારા જરૂરી પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ કરતાં કમિશનરે જણાવ્યું, “આ વિસ્તારોમાં રોગચાળો વધી રહ્યો છે અને તમે અધિકારીઓ શું કરી રહ્યા છો? મેદાનમાં ઉતરીને નિયંત્રણ કામ કરો, માત્ર કાગળો પર કામ ન ચાલે.” કમિશનરે ડોર-ટુ-ડોર સર્વેલન્સ, ફોગિંગ, તાત્કાલિક મેડિકલ કેમ્પ અને સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપવા આદેશ આપ્યો.
ફાયર NOC અને BU વગરની હોસ્પિટલો સામે તાત્કાલિક કાર્યવાહીનો આદેશ
શહેરમાં ફાયર NOC તથા BU સર્ટિફિકેટ વગર ચાલતી કેટલીક હોસ્પિટલો સામે કમિશનરે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો અને એસ્ટેટ વિભાગ તથા ફાયર વિભાગને સંયુક્ત તપાસ કરવા સૂચના આપી. કમિશનરે કહ્યું, “આવી હોસ્પિટલો નાગરિકોની સલામતી સાથે ખેલ કરે છે. તાત્કાલિક કાર્યવાહી કરો.”
નવા ફાયર સ્ટેશન બનાવવાના પ્લોટની ફાળવણી ઝડપી કરવા આદેશ
કમિશનરે નવા ફાયર સ્ટેશન બનાવવાના પ્લોટની ફાળવણી ઝડપી કરવા પણ સ્પષ્ટ આદેશ આપ્યો. તેમણે કહ્યું કે જ્યાં દબાણ હોવા છતાં પ્લોટ અટકાયા હોય ત્યાં દબાણ દૂર કરીને ફાળવણી કરો જેથી નાગરિકોને સુરક્ષિત સેવાઓ મળી રહે.
રોડ કામગીરી માટે નવી ગાઈડલાઈન
ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હાલ રોડ કામગીરી મોટાભાગે રાત્રે થાય છે. તેમ છતાં કમિશનરે સૂચના આપી કે શહેરના એવા વિસ્તારોમાં જ્યાં દિવસ દરમિયાન ટ્રાફિક ઓછો હોય, ત્યાં રોડ વર્ક દિવસ દરમ્યાન પણ કરી શકાય. નાગરિકોને ઓછી હાલાકી થાય તે માટે કામનું આયોજન વિસ્તાર પ્રમાણે બદલવાનું કમિશનરે આદેશ આપ્યો. એક નવી RCC રોડ તોડવાની ફાઇલ DYMC દ્વારા રજૂ થતા કમિશનર ફરી નારાજ બન્યા. કમિશનરે કહ્યું, “25 વર્ષ ચાલે એવો RCC રોડ તોડવા ફાઇલ મોકલો છો? શરમ આવવી જોઈએ. આવી ફાઈલો હવેથી મારી પાસે ન મોકલશો.”
ડ્રેનેજ સમસ્યાઓ: નાગરિકોને જાગૃત કરવા DYMCને નિર્દેશ
ઉત્તર ઝોનમાં ડ્રેનેજ બેન્કિંગ અને ગટર જામ થવાની સમસ્યાઓ વધતી જતાં, કમિશનરે જણાવ્યું કે નાગરિકો ગટરમાં ગોદડા અને અપ્રયોજ્ય વસ્તુઓ નાખે છે, જે સમસ્યાને વધારી રહી છે. કમિશનરે અધિકારીઓને મેદાનમાં જઈને નાગરિકોને સમજણ આપવા આદેશ આપ્યો. આ રીતે AMC કમિશનરે શહેરની વિવિધ બોટલનેક સમસ્યાઓને લઈને વિભાગોને સજાગ અને જવાબદાર બનવા સ્પષ્ટ સૂચનો આપ્યા. બેઠક દરમિયાન નાગરિકોની હાલાકી દૂર કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.








