Ambaji Poshi Poonam 2026: શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. જગતજનની મા અંબાના પ્રાગટ્ય દિવસે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી ધામે ઉમટી પડતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર
આ મહોત્સવના સુચારુ આયોજન અને યાત્રાળુઓની સુરક્ષા તથા સુવિધાઓ અંગે ચર્ચા કરવા અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તેમજ બનાસકાંઠાના અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા, વિજળી, પાણી પુરવઠા સહિતના તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિક કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી.
શ્રદ્ધાનો મહાસંગમ: મા અંબાનો પ્રાગટ્ય દિવસ
પોષ સુદ પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ. આ દિવસે અંબાજી ધામ શ્રદ્ધાળુઓના મહાસંગમમાં પરિવર્તિત થઈ જાય છે. ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લાખો માઈભક્તો મા અંબાના દર્શનાર્થે અંબાજી પહોંચે છે. પરંપરા મુજબ આ દિવસે વિશેષ પૂજા-અર્ચના, માતાજીનો ભવ્ય શણગાર અને અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા આ વર્ષે પણ પરંપરાગત રીતિ-રીવાજો સાથે ઉત્સવ ઉજવવામાં આવશે.
ભવ્ય શોભાયાત્રા અને ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર
પ્રાગટ્ય મહોત્સવની શરૂઆત પરંપરાગત વિધિઓ સાથે કરવામાં આવશે. ગબ્બર પર્વત પરથી પવિત્ર જ્યોત લાવવામાં આવશે, જે માતાજીના પ્રાગટ્યનું પ્રતીક માનવામાં આવે છે. શક્તિદ્વાર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે, જેમાં માતાજીના વિવિધ સ્વરૂપો, શક્તિ અને સંસ્કૃતિને દર્શાવતી 40થી વધુ આકર્ષક ઝાંખીઓ સામેલ રહેશે. આ શોભાયાત્રા અંબાજી શહેરમાં ફરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દેશે.
યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા પ્રથમ પ્રાધાન્ય
મોટી સંખ્યામાં ઉમટનારા ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને સમગ્ર અંબાજી શહેરમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મહિલા યાત્રાળુઓની સુરક્ષા માટે મહિલા પોલીસ જવાનો તૈનાત રહેશે. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે ખાસ ટ્રાફિક પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. દર્શન માટે અલગ-અલગ લાઈનો, પીવાનું પાણી, આરોગ્ય સેવા, તાત્કાલિક સારવાર કેન્દ્રો અને સ્વચ્છતાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.
અંબાજીનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ
અંબાજી ભારતનાં 51 શક્તિપીઠોમાંથી એક અત્યંત મહત્વનું શક્તિપીઠ છે. પુરાણકથાઓ અનુસાર, ભગવાન શિવે સતીના દેહને ધારણ કરી તાંડવ શરૂ કરતા બ્રહ્માંડ બચાવવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના અંગો વિભાજિત કર્યા હતા. લોકવાયકા મુજબ, અંબાજી ખાતે માતા સતીના હૃદયનો ભાગ પડ્યો હતો, જેના કારણે અંબાજીને તમામ શક્તિપીઠોનું કેન્દ્ર માનવામાં આવે છે. લોકમાન્યતા પ્રમાણે, પોષી પૂનમના દિવસે મા અંબાનું પ્રાગટ્ય આરાસુર પર્વત પર થયું હતું. આ દિવસે માતાજીએ અસુરોના સંહાર માટે અવતાર ધારણ કર્યો હોવાનું માનવામાં આવે છે. ગબ્બર પર્વત અંબાજીનું મૂળ સ્થાનક ગણાય છે, જ્યાં આજે પણ માતાજીના પદચિન્હો અને અખંડ જ્યોત પ્રત્યે અડગ શ્રદ્ધા છે.
યંત્ર પૂજા અને ગબ્બરનું રહસ્ય
અંબાજી મંદિરની અનોખી વિશેષતા એ છે કે અહીં કોઈ મૂર્તિ નથી, પરંતુ માતાજીના વિશ્વયંત્રની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ યંત્ર અત્યંત તેજસ્વી હોવાથી પુજારીઓ પણ આંખે પટ્ટી બાંધીને પૂજા કરે છે. ભક્તો આ યંત્રને માતાજીના સશક્ત સ્વરૂપ તરીકે પૂજે છે. પોષી પૂનમ માત્ર એક તિથિ નથી, પરંતુ મા અંબાના ધરતી પરના પ્રાગટ્યનો ઉત્સવ છે. વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટ અને સેવા સમિતિના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ વધુ ભવ્ય, સુવ્યવસ્થિત અને યાદગાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.








