Vadodara Kamatibaug Controversy: વડોદરા શહેરની શાન અને સયાજીરાવ ગાયકવાડના સમયથી ઐતિહાસિક વારસો ધરાવતા કમાટીબાગ (સયાજી બાગ) માં હાલમાં હાથ ધરાયેલી નિર્માણ કામગીરી સામે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. બાગની નયનરમ્ય હરિયાળી અને ખુલ્લી જગ્યાઓને દૂર કરીને ત્યાં કોંક્રીટ તથા લોખંડના મોટા માળખાં ઊભાં કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ સાથે સ્થાનિક મોર્નિંગ વોકર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દૈનિક ધોરણે અહીં સવાર-સાંજ કસરત અને વોકિંગ માટે આવતા નાગરિકોએ આ પ્રકારના કામ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
બાળકો અને રમતગમત માટેની જગ્યા છીનવાઈ જવાની ભીતિ
કમાટીબાગ મોર્નિંગ વોકર્સ એશોસિએશનના આગેવાનો નરેન્દ્ર રાવત અને અમી રાવતે આ બાબતે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, બાગના જે ચોક્કસ વિસ્તારમાં હાલ કામગીરી ચાલી રહી છે, ત્યાં અગાઉ લીલોછમ લોન વિસ્તાર, વિશાળ વૃક્ષો અને સુંદર કુદરતી વાતાવરણ હતું. અહીં દરરોજ વડીલો શાંતિથી બેસી શકતા હતા તેમજ નાના બાળકો માટે રમવા માટેની પૂરતી ખુલ્લી જગ્યા ઉપલબ્ધ હતી. પરંતુ હવે ત્યાં જમીન પર કાયમી કોંક્રીટનું નિર્માણ કરી તેની ઉપર લોખંડનું મોટું માળખું બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી બાળકો અને સામાન્ય નાગરિકો માટેની ખુલ્લી જગ્યા નોંધપાત્ર રીતે ઘટી જશે.
કમાટીબાગની મૂળ ઓળખ સાથે ચેડા ન કરવા માંગ
મોર્નિંગ વોકર્સ એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે કમાટીબાગની ખરી ઓળખ તેના ઘેઘૂર વૃક્ષો, રંગબેરંગી ફળ-ફૂલો, કુદરતી લોન અને શાંત પર્યાવરણથી છે. બાગમાં સમર મેળા કે કાયમી શોપિંગ આકર્ષણ જેવા લોખંડના ભારે માળખાં ઊભાં કરીને આ ઐતિહાસિક બાગની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિ સાથે ચેડાં કરવા યોગ્ય નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે મનોરંજન કે મેળાવડા જેવી પ્રવૃત્તિઓ માટે શહેરમાં અસંખ્ય અન્ય વિસ્તારો ઉપલબ્ધ છે, તેથી કમાટીબાગ જેવા પ્રાકૃતિક ધામને બાંધકામોથી મુક્ત રાખવું જોઈએ.
સોલાર પૅનલ અને માળખાકીય કામગીરી માટે વિકલ્પોની રજૂઆત
તંત્ર દ્વારા સોલાર સિસ્ટમ કે અન્ય નવીન સુવિધાઓ માટેના માળખાં ઊભાં કરવાનો તર્ક આપવામાં આવી રહ્યો છે. જોકે, મોર્નિંગ વોકર્સનું માનવું છે કે આવી ઊર્જા કે ટેકનિકલ યોજનાઓ માટે કમાટીબાગની જમીન અને હરિયાળીનો ભોગ લેવાની સહેજ પણ જરૂર નથી. આ અંગે ભૂતકાળમાં પણ પાલિકા તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી છે કે બાગમાં કોઈપણ જાતનું નવું કોંક્રીટનું બાંધકામ થવું જોઈએ નહીં.
મહાનગરપાલિકાની અન્ય ખુલ્લી જમીનોનો ઉપયોગ કરવા સૂચન
એસોસિએશનના સભ્યોએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા પાસે સમગ્ર શહેરમાં અનેક અનામત અને ખુલ્લી જમીનો પ્લોટ સ્વરૂપે પડી રહી છે. સોલાર પૅનલ કે અન્ય કોઈ પ્રોજેક્ટ સ્થાપવો હોય તો પાલિકા પોતાની અન્ય પડતર જગ્યાઓનો સદુપયોગ કરી શકે છે. વડોદરાના આ મહત્વના ફેફસાં સમાન કમાટીબાગમાં કોંક્રીટ અને લોખંડનું જંગલ ઊભું કરવાને બદલે તેની પ્રાકૃતિક સુંદરતા, વૃક્ષો અને હરિયાળીનું જતન કરવામાં આવે તે જ શહેરના હિતમાં છે.








