Firecracker production in Ahmedabad: દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદ પોલીસ દ્વારા ફટાકડાના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ફટાકડા ઉત્પાદન માટે અગાઉ આપવામાં આવેલા તમામ 6 લાયસન્સ રદ અથવા મોકૂફ કરવામાં આવ્યા છે. પરિણામે, હાલ અમદાવાદમાં એકપણ કાયમી ફટાકડા ઉત્પાદન એકમને મંજૂરી નથી. બીજી તરફ, નિયમોનું ઉલ્લંઘન કરનારા ફટાકડાના વેચાણકારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કાયમી વેચાણનાં 9 લાયસન્સ રદ અને 7 મોકૂફ કરાયાં છે, જ્યારે બાંધકામના નિયમોનું પાલન ન કરનારા 17 વેપારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
ફટાકડા બનાવતા તમામ 6 એકમો સામે કાર્યવાહી
અમદાવાદ શહેરમાં ફટાકડાના ઉત્પાદન માટે અગાઉ કુલ 6 લાયસન્સ આપવામાં આવ્યાં હતાં. આ તમામ એકમો રામોલ વિસ્તારમાં આવેલા હતા. તાજેતરમાં બનેલી ઘટનાને પગલે પોલીસ દ્વારા આ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 4 એકમોનાં લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યાં છે, જ્યારે અન્ય 2 એકમોનાં લાયસન્સ મોકૂફ રાખવામાં આવ્યાં છે. આથી શહેરમાં હાલ ફટાકડા ઉત્પાદન માટે એકપણ માન્ય લાયસન્સ બાકી રહ્યું નથી.
કાયમી વેચાણનાં 145 લાયસન્સમાંથી 9 રદ, 7 મોકૂફ
શહેરમાં ફટાકડાના કાયમી વેચાણ માટે કુલ 145 લાયસન્સ આપવામાં આવ્યાં હતાં. તેમાંથી 105 લાયસન્સનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા 9 વેપારીઓનાં લાયસન્સ રદ કરાયાં છે, જ્યારે 7 લાયસન્સ મોકૂફ રાખવામાં આવ્યાં છે. બાકીનાં 24 લાયસન્સના મામલે પણ કાર્યવાહી ચાલી રહી છે. તેમાંથી 7 લાયસન્સ માટે ફાયર બ્રિગેડ સહિતની સંબંધિત એજન્સીઓના અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે બાંધકામના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતાં અન્ય 17 વેપારીઓને લાયસન્સ રદ કરવા અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
હંગામી સ્ટોલ માટે 96 અરજીઓ, 14ને મંજૂરી
દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના વેચાણ માટે 30 દિવસની મુદતનાં હંગામી લાયસન્સ આપવામાં આવે છે. આ માટે અત્યાર સુધીમાં કુલ 96 અરજીઓ મળી છે. સંબંધિત પોલીસ મથકો તરફથી હકારાત્મક અભિપ્રાય મળ્યા બાદ 14 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. બાકીની અરજીઓ પર સ્થાનિક પોલીસ સ્ટેશનના અહેવાલના આધારે નિર્ણય લેવામાં આવશે. મંગળવારે વધુ 3 અરજીઓ મળી હોવાનું પણ જણાવાયું છે. પોલીસ દ્વારા જરૂરી ચકાસણી પૂર્ણ થયા બાદ આ અરજીઓ અંગે ઝડપથી નિર્ણય લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
બે દુકાનો વચ્ચે 15 મીટરનું અંતર ફરજિયાત
ફટાકડાના વેચાણ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમ મુજબ, બે ફટાકડાની દુકાનો વચ્ચે ઓછામાં ઓછું 15 મીટરનું અંતર જાળવવાનું રહે છે. આ ઉપરાંત, લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ ન થાય તે માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને પોતાના વિસ્તારમાં દુકાનોનું નિયમિત તેમજ આકસ્મિક ચેકિંગ કરવા કડક સૂચના આપવામાં આવી છે.
દિવાળી પહેલાં ગેરકાયદે વેચાણ રોકવા પોલીસ સતર્ક
દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના વેચાણમાં વધારો થતો હોવાથી સુરક્ષાના નિયમોનું પાલન કરાવવું પોલીસ માટે મહત્ત્વપૂર્ણ બન્યું છે. ઉત્પાદન એકમો, કાયમી દુકાનો અને હંગામી સ્ટોલનાં લાયસન્સની ચકાસણી સાથે ગેરકાયદે વેચાણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીનો હેતુ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવાનો છે.








