Air India flight emergency landing: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે Air Indiaની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતાં અફરાતફરી મચી ગઈ હતી. દમામ, સાઉદી અરેબિયાથી નવી દિલ્હી જઈ રહેલી Air Indiaની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ તેને તાત્કાલિક અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, ફ્લાઈટના બાથરૂમમાંથી ક્રૂ મેમ્બરને એક કાગળ મળ્યો હતો, જેના પર બોમ્બ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાયલટ અને એરપોર્ટ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
ફ્લાઈટમાં 32 મુસાફરો, તમામ સુરક્ષિત
ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યા બાદ તેને આઈસોલેશન બે પર ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઈટમાં સવાર કુલ 32 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સ્પેશિયલ બસ મારફતે એરપોર્ટના ટર્મિનલ-2 ખાતે ખસેડવામાં આવ્યા હતા. મુસાફરોને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે અને તેમની જરૂરી તપાસ પણ કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડ અને BDDSની ટીમો દોડી આવી
બોમ્બની ધમકીની જાણ થતાં જ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. ફાયર વિભાગની 3 ગાડીઓ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત BDDS એટલે કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. સુરક્ષા અધિકારીઓએ ફ્લાઈટની અંદર, મુસાફરોના સામાન અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં
પ્રાથમિક તપાસ દરમિયાન ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. જેના કારણે સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપતો કાગળ કોણે મૂક્યો અને આ ધમકી પાછળનું કારણ શું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ સાયબર સેલની મદદથી પણ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસે શું કહ્યું?
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે દમામથી દિલ્હી જઈ રહેલી Air Indiaની ફ્લાઈટમાં બાથરૂમમાંથી ક્રૂ મેમ્બરને કાગળ મળ્યો હતો, જેના પર બોમ્બ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષાના કારણોસર ફ્લાઈટનું અમદાવાદ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ફ્લાઈટમાં કુલ 32 મુસાફરો હતા અને તમામને સુરક્ષિત રીતે એરપોર્ટના ટર્મિનલ-2 ખાતે રાખવામાં આવ્યા છે. હાલ ફ્લાઈટ અને અન્ય સંબંધિત વિસ્તારોનું ચેકિંગ ચાલુ છે.








