Ahmedabad Water Supply News: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર છે. સોમવાર, 16 નવેમ્બરના રોજ બોપલ-ઘુમા, શીલજ, ભાડજ, સરખેજ, જુહાપુરા સહિતના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીનો સપ્લાય સવારે 8 વાગ્યા બાદ બંધ કરવામાં આવશે. જુહાપુરાના અંબર ટાવર રોડ પાસે લાઈન શિફ્ટિંગ અને લીલાપુર તળાવ પાસે નવા સ્પીડ રોડની કામગીરીને કારણે આ શટડાઉન કરવામાં આવશે. કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવાર, 17 નવેમ્બરે ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે પાણી પુરવઠો કરવામાં આવશે.
લાઈન શિફ્ટિંગ અને સ્પીડ રોડની કામગીરી માટે શટડાઉન
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વોટર પ્રોજેક્ટ વિભાગના જણાવ્યા મુજબ, જાસપુરના 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત ટ્રંક મેઈન લાઈનમાં બે મહત્વપૂર્ણ કામગીરી કરવાની છે. લીલાપુર ગામ પાસે આવેલા લીલાપુર તળાવ નજીક 1300 મિમી વ્યાસના સ્કાવર વાલ્વનો સ્પીડ રોડ ખરાબ થઈ ગયો હોવાથી ત્યાં નવો સ્પીડ રોડ નાખવામાં આવશે. આ ઉપરાંત સરખેજ નેશનલ હાઈવેના કેડિલા સર્કલથી APMC તરફ જતી 750 મિમી વ્યાસની MS ટ્રંક મેઈન લાઈનને અંબર ટાવર-ક્લાસિક હોમ પાસે ડ્રેનેજ રિહેબિલિટેશનની કામગીરીમાં નડતરરૂપ હોવાથી તેનું શિફ્ટિંગ કરવામાં આવશે. આ બંને કામગીરીને કારણે 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બોપલ-ઘુમા, શીલજ અને સરખેજ સહિતના વિસ્તારોમાં અસર
જાસપુર 200 MLD પ્લાન્ટ આધારિત ટ્રંક મેઈનમાંથી પાણી મેળવતા ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં પાણી પુરવઠા પર અસર થશે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં અસરગ્રસ્ત વિસ્તારો:
ગોતા વોર્ડના ગોતા TP-55 વિસ્તાર
બોડકદેવ વોર્ડનો રાજપથ TP-50 વિસ્તાર
થલતેજ વોર્ડના ભાડજ TP-409 વિસ્તાર
હેબતપુર TP-53/A વિસ્તાર
શીલજ ગામ
બોપલ-ઘુમા વિસ્તાર
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અસરગ્રસ્ત વિસ્તારો:
સરખેજ-મકતમપુરા વોર્ડનાં તમામ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન
સમગ્ર સરખેજ વિસ્તાર
જુહાપુરા વિસ્તાર
આ વિસ્તારોમાં 16 નવેમ્બરની સવારના પાણી પુરવઠા બાદના તમામ નિર્ધારિત સપ્લાય બંધ રહેશે.
17 નવેમ્બરથી પાણી પુરવઠો શરૂ થશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવ્યા મુજબ, કામગીરી પૂર્ણ થયા બાદ 17 નવેમ્બરે પાણીનો પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. જોકે, તે દિવસે પાણી ઉપલબ્ધ જથ્થા પ્રમાણે આપવામાં આવશે. તેથી અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને સોમવાર માટે પાણીનો જરૂરી સંગ્રહ કરી રાખવા સૂચન છે.








