Ahmedabad water supply: અમદાવાદના પશ્ચિમ ઝોનમાં માણેકબાગ ચાર રસ્તા પાસે 600 મીમી વ્યાસની મુખ્ય પાણી પુરવઠા લાઇનમાં લીકેજ સર્જાતા AMC દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. લીકેજના કારણે મોટી માત્રામાં પાણીનો બગાડ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં નિયમિત પાણી વિતરણને પણ અસર પહોંચી છે. રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મુખ્ય ટ્રંક મેઇન્સનો વાલ્વ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પાલડી સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થવાની શક્યતા છે.
ટ્રંક મેઇન્સનો વાલ્વ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો
લીકેજની કામગીરી માટે નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના આઝાદ, નિયોજનનગર, શારદા, જવાહરનગર, શહીદવન અને શાહવાહી જળ વિતરણ સ્ટેશનોને પાણી પહોંચાડતી મુખ્ય ટ્રંક મેઇન્સનો વાલ્વ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. વાલ્વ બંધ રહેવાના કારણે સંબંધિત જળ વિતરણ સ્ટેશનોની ભૂગર્ભ ટાંકીમાં પાણીના જથ્થામાં ઘટાડો થઈ શકે છે. પરિણામે 30 સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે જળ વિતરણ કરવામાં આવશે.
પાણી પુરવઠો પૂર્વવત્ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
AMCના જણાવ્યા મુજબ લીકેજ રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને શક્ય તેટલી વહેલી તકે પાણી પુરવઠો પૂર્વવત્ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કામગીરી પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં નિયમિત પાણી વિતરણ ફરી શરૂ કરવામાં આવશે. દરમિયાન નાગરિકોને પાણીનો જરૂરી અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કનેક્શનો પર ‘ચકલી’ એટલે કે સ્ટોપ કોક લગાવવાની કામગીરી
બીજી તરફ, અમદાવાદના ખાડીયા વોર્ડમાં પાણીના બગાડને અટકાવવા AMCએ વિશેષ કાર્યવાહી શરૂ કરી છે. વિવિધ પોળોમાં કેટલાક નાગરિકો દ્વારા પાણીના કનેક્શન ખુલ્લા રાખવામાં આવતા પાણીનો બિનજરૂરી વ્યય થતો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ કોર્પોરેશને આવા કનેક્શનો પર ‘ચકલી’ એટલે કે સ્ટોપ કોક લગાવવાની કામગીરી શરૂ કરી છે. માણેકચોક વિસ્તારની ચાલ્લાઓળ પોળ, સારંગપુર ચકલા સ્થિત ગોલાની ખડકી, મણિયાશાની ખડકી અને સાંકડી શેરી રોડ સહિતના વિસ્તારોમાં સ્થળ પર જઈને કાર્યવાહી કરવામાં આવી છે.
પાણી વિતરણ વ્યવસ્થામાં પણ મુશ્કેલી સર્જાતી હોવાથી
AMC દ્વારા ખાડીયા વોર્ડના વિવિધ વિસ્તારોમાં સર્વે કરીને જ્યાં જરૂરિયાત જણાય ત્યાં તબક્કાવાર સ્ટોપ કોક લગાવવામાં આવી રહ્યા છે. ખુલ્લા કનેક્શનને કારણે પાણીનો બગાડ થવાની સાથે પાણી વિતરણ વ્યવસ્થામાં પણ મુશ્કેલી સર્જાતી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્પોરેશને નાગરિકોને પાણીના કનેક્શન ખુલ્લા ન રાખવા, પાણીનો સદુપયોગ કરવા અને પાણી બચાવવાના પ્રયાસોમાં સહયોગ આપવા અપીલ કરી છે.








