Rickshaw Driver Attack in Ahmedabad: અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક સિગ્નલના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવીને રિક્ષાચાલકે કાયદાનો ડર ભૂલીને રિક્ષાને પૂરઝડપે ભગાવી મૂકી. આ ઘટના દરમિયાન સ્થળ પર કાર્યરત TRB જવાને હાથ બતાવીને રિક્ષાચાલકને રોકવાનો પ્રયાસ કર્યો તો તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
સિગ્નલ તોડ્યું અને કાચ પણ તૂટયો
ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના જવાન રાહુલ પટણી રોમવારે બપોરના સમયે સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ પાછળ વિક્ટોરિયા ગાર્ડન વિસ્તારમાં પોતાની ફરજ બજાવતા હતા. આ દરમિયાન રાયખડ ચાર રસ્તાથી જુમ્મા મસ્જિદ તરફ જવાના રસ્તે સિગ્નલ બંધ હોવા છતાં એક રિક્ષા પૂરઝડપે આવતી હોવાતી TRB જવાને હાથ બતાવી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રિક્ષા જવાનના હાથ સાથે અથડાઇ અને કાચ તૂટી ગયો હતો. રિક્ષાનો કાચ તૂટતાં મામલો વધુ ગંભીર બન્યો.
પોલીસકર્મીને ધક્કો મારી પાડી દેવામાં આવ્યો
રિક્ષાનો કાચ તૂટતાં જ ગુસ્સે ભરાયેલા ચાલકે રોડ વચ્ચે રિક્ષા ઊભી રાખી દીધી હતી અને TRB જવાન સાથે ઉગ્ર બોલચાલી કરીને હુમલો કર્યો હતો. સમગ્ર મામલો થાળે પાડવા માટે વચ્ચે પડેલા મનોજભાઇ નામના પોલીસકર્મીને પણ ધક્કો મારીને પાડી દેવામાં આવતા તેમને પગમાં ઇજા પહોંચી હતી.
આરોપી જેલભેગો
બનાવની ગંભીરતા જોઈને આસપાસથી અન્ય પોલીસકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હુમલો કરનાર રિક્ષાચાલકની ઓળખ બહેરામપુરામાં રહેતા જીગર સોલંકી તરીકે થઈ છે. પોલીસે આરોપીની સ્થળ પરથી જ ધરપકડ કરી, આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








