મારું ગુજરાત

'અમારી સામે કેમ જુઓ છો?' કહીને શરૂ થયો ઝઘડો, વટવામાં સામાન્ય બોલાચાલીએ મારામારીનું લીધું ઉગ્ર સ્વરૂપ

26 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'અમારી સામે કેમ જુઓ છો?' કહીને શરૂ થયો ઝઘડો, વટવામાં સામાન્ય બોલાચાલીએ મારામારીનું લીધું ઉગ્ર સ્વરૂપ

Vatva Assault Case: અમદાવાદના વટવામાં રસ્તા પરથી પસાર થતી વખતે સામે જોવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ અમદાવાદના વટવામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું. શરૂઆતમાં બે ભાઈઓ સાથે થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાઈ અને ત્યારબાદ તેમને બચાવવા પહોંચેલા કોન્ટ્રાક્ટર સાથે પણ ઝપાઝપી થઈ. વાત અહીં જ અટકી નહીં, કોન્ટ્રાક્ટરના કાકા ઘટનાસ્થળે પહોંચતાં તેમની એક્ટિવામાં પણ લાકડીઓ મારી તોડફોડ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. એક પછી એક બનેલી આ ઘટનાઓથી કૈલાશનગર વિસ્તારમાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠી ઉગામવી પડી હતી. આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ચાર શખસો સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે પોલીસે આ કેસમાં આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. ત્યારે આખરે રસ્તા પર થયેલી સામાન્ય બોલાચાલી કઈ રીતે આટલી મોટી મારામારીમાં ફેરવાઈ, જાણીએ સમગ્ર ઘટનાની વિગત.

કામ પરથી ઘરે જતા બે ભાઈઓ સાથે થયો વિવાદ
24 નવેમ્બર 2026ની રાત્રે વટવાના જાનીપીરના ટેકરા વિસ્તારમાં રહેતા અરુણકુમાર નેપાલસિંગ રાજપૂત અને તેનો ભાઈ આદિત્ય કામ અર્થે ઘરેથી નીકળ્યા હતા. બંને ભાઈઓ વટવાના બચુભાઈ ચોકડી ખાતે કામ પૂરું કરીને રાત્રિના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ મહાવીરનગર ચાર રસ્તાથી બચુભાઈના કુવા તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં કૈલાશનગર પાસે આવેલી મચ્છીની દુકાન નજીકથી પસાર થતાં તેમની નજર ત્યાં ઊભેલા કેટલાક શખસો પર પડી હતી. ફરિયાદ મુજબ, આ બાબતે સામેવાળા શખસોએ બંને ભાઈઓને 'અમારી સામે કેમ જુઓ છો?' તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. સામાન્ય બાબતે શરૂ થયેલો આ વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બની ગયો હતો. પિયુષ ચુનારા, પપ્પુ ચુનારા સહિતના શખસોએ બંને ભાઈઓ સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે.

હાથમાં પહેરેલા કડાથી બંને ભાઈઓને ઇજા
મારામારી દરમિયાન એક શખસે હાથમાં પહેરેલા કડાથી અરુણકુમારની જમણી આંખના નેણ પાસે માર માર્યો હતો, જ્યારે તેના ભાઈ આદિત્યને પણ કપાળના ભાગે કડું વાગ્યું હતું. આ હુમલામાં બંનેને ઇજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, ઝપાઝપી દરમિયાન અરુણકુમારનો ઇન્ફિનિક્સ કંપનીનો નોટ અને મોબાઇલ ફોન પણ ક્યાંક પડી ગયો હતો. આ મોબાઇલની કિંમત આશરે રૂ. 30 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મજૂરનો ફોન આવતાં કોન્ટ્રાક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા
બંને ભાઈઓ સાથે મારામારી થઈ રહી હતી ત્યારે અરુણકુમારે પોતાના કોન્ટ્રાક્ટર સુરેશભાઈ ભરવાડને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ફોન આવતાં જ સુરેશભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે પોતાના મજૂરો સાથે થયેલી મારામારી અંગે સામેવાળા શખસોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો, કે ફરિયાદ મુજબ, આ સમજાવટ બાદ મામલો શાંત થવાને બદલે સુરેશભાઈ સાથે પણ બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ હતી. આ દરમિયાન સુરેશભાઈ સાથે ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ઝપાઝપીમાં તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇનનું આશરે બે તોલાનું પેન્ડલ ક્યાંક પડી ગયું હતું. ફરિયાદમાં આ પેન્ડલની કિંમત રૂ. 1.40 લાખ દર્શાવવામાં આવી છે.

કાકાને બોલાવ્યા, પરંતુ વિવાદ વધુ વકર્યો
સુરેશભાઈએ પોતાના કાકા મશરૂભાઈ ભરવાડને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. મશરૂભાઈ પોતાની એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન પિયુષ ચુનારાના દાદા ગુલાબભાઈ ચુનારા અને એક અજાણ્યો ઇસમ પણ ત્યાં આવ્યા હતા. તેમની સાથે પણ બોલાચાલી શરૂ થઈ હતી. ફરિયાદ મુજબ, મશરૂભાઈએ ગુલાબભાઈને બોલાચાલી નહીં કરવા સમજાવ્યા હતા. પરંતુ ત્યારબાદ પિયુષ ચુનારા અને પપ્પુ ચુનારા લાકડીઓ લઈને આવ્યા હતા અને મશરૂભાઈની એક્ટિવામાં મારતાં તોડફોડ કરી હતી. આ તોડફોડમાં આશરે રૂ. 15 હજારનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સોનાનું પેન્ડલ, મોબાઇલ અને એક્ટિવા મળીને રૂ. 1.85 લાખનું નુકસાન
આ સમગ્ર ઘટનામાં ફરિયાદી પક્ષે કુલ રૂ. 1.85 લાખનું નુકસાન થયાનું જણાવ્યું છે. જેમાં સુરેશભાઈનું રૂ. 1.40 લાખનું સોનાનું પેન્ડલ, અરુણકુમારનો રૂ. 30 હજારની કિંમતનો મોબાઇલ ફોન અને મશરૂભાઈની એક્ટિવાને થયેલું રૂ. 15 હજારનું નુકસાન સામેલ છે.

મારામારી બાદ ટોળાં એકઠાં થયાં, પોલીસે લાઠી ઉગામી
એક પછી એક ત્રણ વ્યક્તિઓ સાથે થયેલી મારામારી અને વાહનમાં તોડફોડના કારણે ઘટનાસ્થળે બૂમાબૂમ થઈ હતી. આથી આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વટવા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે, ત્યાં સુધીમાં લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠી ઉગામીને લોકોને દૂર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ચાર શખસો સામે FIR, બે આરોપીઓની ધરપકડ
આ મામલે સુરેશભાઈ ભરવાડે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પિયુષ ચુનારા, પપ્પુ ચુનારા, ગુલાબભાઈ ચુનારા અને એક અજાણ્યા ઇસમ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. વટવા પોલીસ સ્ટેશનના PI એ.એ. વછેટાના અનુસાર, સામે જોવા બાબતે થયેલી બોલાચાલી બાદ પિયુષ ચુનારા અને તેના સાથીઓએ ભરવાડ યુવક સાથે મારામારી કરી હતી અને વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. શરૂઆતના પોલીસ અહેવાલ મુજબ, આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

હવે જાહેરમાં કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
મારામારીના આ કેસમાં કાર્યવાહી આગળ વધારતાં વટવા પોલીસે આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. આ કાર્યવાહીનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાર્યવાહી કરતી જોવા મળે છે. આમ, સામે જોવા જેવી સામાન્ય બાબતથી શરૂ થયેલો વિવાદ બે ભાઈઓ સાથેની મારામારીથી શરૂ થઈ કોન્ટ્રાક્ટર અને તેના કાકા સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સોનાનું પેન્ડલ, મોબાઇલ અને એક્ટિવાને થયેલા નુકસાનની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાને પગલે સર્જાયેલી પરિસ્થિતિ બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને હવે જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવી આ કેસમાં પોતાની કાર્યવાહી આગળ ધપાવી છે.

Tags:
GujaratVandanGujarat Crime NewsPolice ArrestPublic ReconstructionVatva Police
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026