Ahmedabad Drug Bust: અમદાવાદમાં નશાના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વટવા વિસ્તારમાં જાહેરમાં ગાંજો વેચતા એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી આશરે ₹66 હજારની કિંમતનો 215 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત અલગ કાર્યવાહીમાં 18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પણ મળી આવ્યું છે. ગાંજાની પડીકી ખરીદવા માટે લોકોની લાઈનો લાગતી હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી છે.
જાહેરમાં ગાંજો વેચતો યુવક રંગેહાથ ઝડપાયો
વટવા ગ્રીન ચોક પાસે ખુલ્લા મેદાન નજીક લોખંડના શટરવાળી દુકાનના ઓટલા પર બેસીને એક શખ્સ ગાંજો વેચતો હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને મોહંમદ ફૈઝાન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી 215 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. આરોપી ગાંજાની નાની પડીકી બનાવીને વેચતો હોવાનું સામે આવ્યું છે.
₹100માં પડકી, વેચાણ માટે મળતા હતા ₹500
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાનને ગાંજો વેચવા માટે ₹500 આપવામાં આવતા હતા. તે ગાંજાની એક પડીકી ₹100માં વેચતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે ગાંજો વેચવા માટે આપનાર આમનખાન અને મોહસીન સામે પણ ગુનો નોંધીને તેમની ભૂમિકાની તપાસ શરૂ કરી છે.
રિક્ષામાંથી 18 ગ્રામ મેફેડ્રોન મળતાં ચકચાર
બીજી તરફ વટવા વિસ્તારમાં જ ક્રાઈમ બ્રાન્ચને વોટ્સએપ મારફતે બાતમી મળી હતી કે એક રિક્ષામાં એમ.ડી. ડ્રગ્સ રાખવામાં આવ્યું છે. બાતમીના આધારે વટવા ગામ પાસે જૈન તીર્થ માર્ગ, નવાનગરા વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આકાશ ચૂનારાની રિક્ષામાંથી કપડામાં વીંટાળેલું પેકેટ મળી આવ્યું હતું. તપાસ કરતાં તેમાં આશરે 18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની કિંમત અંદાજે ₹16 હજાર હોવાનું જણાવાયું છે, મળી આવ્યું હતું. જોકે, રિક્ષા ચાલકનું કહેવું છે કે કોઈ વ્યક્તિએ તેને ફસાવવા માટે રિક્ષામાં ડ્રગ્સની પડીકી મૂકી હતી. પોલીસે ડ્રગ્સ કબજે કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ લોકો સામે ગુનો, પોલીસની તપાસ શરૂ
વટવા વિસ્તારમાં ગાંજો અને મેફેડ્રોન મળી આવતાં પોલીસે અલગ-અલગ કાર્યવાહી હાથ ધરી છે. ગાંજાના ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ રિક્ષામાંથી મળેલા મેફેડ્રોન પાછળ કોણ છે અને ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. અમદાવાદમાં યુવાનોને નશાના રવાડે ચઢાવવાના ગેરકાયદેસર નેટવર્ક સામે પોલીસની કાર્યવાહીથી નશાના કારોબારમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.








