Ahmedabad Crime News: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં જૂની અદાવત અને વ્યાજખોરીની ફરિયાદ પાછી ન ખેંચવાના મુદ્દે યુવક પર જાહેરમાં હુમલો કરવાની ઘટના સામે આવી છે. ચાર શખસોએ યુવકને રસ્તા પર ઢોર માર માર્યો અને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યો ત્યારે આરોપીઓએ તેની ઓફિસમાં ઘૂસીને લાકડીઓ વડે તોડફોડ કરી હતી. એટલું જ નહીં, ઓફિસમાં કામ કરતા કર્મચારીને ધમકાવીને 1 લાખ રૂપિયાથી વધુની લૂંટ પણ કરી હતી. મારામારીના વીડિયો સામે આવ્યા છે, જ્યારે ઓફિસમાં થયેલી તોડફોડની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વ્યાજખોરીની ફરિયાદ પાછી ખેંચવા દબાણ, રસ્તામાં કાર રોકાવી
વસ્ત્રાપુરમાં રહેતા સૌરભ ગુપ્તાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૌરભ ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપવાનો વ્યવસાય કરે છે. અગાઉ તેમનો સંજય દેસાઈ સાથે પરિચય થયો હતો. સંજય દેસાઈ વિરુદ્ધ સૌરભે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે સંજય દેસાઈ સૌરભ પર દબાણ કરી રહ્યો હતો, પરંતુ સૌરભે ફરિયાદ પાછી ખેંચી નહોતી. દરમિયાન 16 નવેમ્બરની રાત્રે સૌરભ ડ્રાઇવર સાથે કારમાં જઈ રહ્યો હતો. તે સમયે વસ્ત્રાપુર તળાવ પાસે સફેદ રંગના એક્ટિવા પર સંજય દેસાઈ અને તેનો મિત્ર વિશાલ દેસાઈ આવ્યા હતા અને સૌરભની કાર રોકાવી હતી.
એક્ટિવામાં બેસાડી અપહરણનો પ્રયાસ, રસ્તા પર માર માર્યો
કાર રોકાવ્યા બાદ સંજયે સૌરભને પોતાની વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ પાછી કેમ નથી ખેંચી તેવો સવાલ કર્યો હતો. ત્યારબાદ સંજય અને વિશાલે ભેગા મળીને સૌરભને એક્ટિવા પર વચ્ચે બેસાડ્યો અને તેનું અપહરણ કરીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, થોડે આગળ જતાં સૌરભ એક્ટિવા પરથી ઉતરી ગયો હતો. ત્યારબાદ સંજય અને વિશાલે જાહેર રસ્તા પર સૌરભને બેફામ માર માર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ જતાં બંને શખસો ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ સૌરભ મારામારી અને અપહરણના પ્રયાસની ફરિયાદ નોંધાવવા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
યુવક પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે ઓફિસમાં ઘૂસીને તોડફોડ
સૌરભ પોલીસ સ્ટેશનમાં હતો તે દરમિયાન સંજયનો ફોન આવ્યો હતો. ફોન પર તેણે સૌરભને ધમકી આપી હતી કે તેઓ હવે તેની ઓફિસ અને ઘરે જઈને હાથ-પગ તોડી નાખશે અને તેને મારી નાખશે. ત્યારબાદ સંજય દેસાઈ, વિશાલ દેસાઈ, રવિ દેસાઈ અને સાહિલ દેસાઈ સૌરભની ઓફિસે પહોંચ્યા હતા. ચારેય શખસોએ ઓફિસમાં લાકડીઓ વડે તોડફોડ કરી હતી. ઓફિસમાં કામ કરતા કર્મચારીને ધમકાવીને 1 લાખ રૂપિયાથી વધુની લૂંટ પણ કરી હતી.
LED બોર્ડ, AC અને ફર્નિચરની તોડફોડ, ચાર સામે ગુનો
આરોપીઓએ ઓફિસમાં લગાવેલું LED બોર્ડ, રૂમમાં લગાવેલા AC અને ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાની સાથે ઓફિસમાં થયેલી તોડફોડની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. યુવકને જાહેરમાં માર મારવાના વીડિયો પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે સંજય દેસાઈ, વિશાલ દેસાઈ, રવિ દેસાઈ અને સાહિલ દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








