Ahmedabad Norta Nagri Garba Ticket Scam: અમદાવાદ શહેર તેના ભવ્ય અને આકર્ષક ગરબા મહોત્સવ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. પરંતુ તાજેતરમાં શહેરના સરખેજ વિસ્તારમાં આયોજિત થયેલા પ્રખ્યાત 'નોરતા નગરી' ગરબા મહોત્સવમાં એક મોટું નાણાકીય કૌભાંડ સામે આવતા ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે. ગરબાના આયોજન સાથે જોડાયેલા ભાગીદારો વચ્ચે કરોડો રૂપિયાની ટિકિટોની ગેરરીતિ અને છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડ આશરે ₹8 થી 10 કરોડ રૂપિયાનું હોવાનું બહાર આવ્યું છે, જેનાથી આયોજકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કેવી રીતે શરૂ થઈ ગરબાની સફર
ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા 36 વર્ષીય અર્જુન ભૂતિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે તેમના સાથીદારો જીગર ચૌહાણ, કૃષ્ણ ગઢવી અને દર્શન શાહ સાથે મળીને 'નોરતા નગરી' ગરબાનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ મોટા આયોજનને સફળ બનાવવા માટે તમામ ભાગીદારોએ મળીને 'એએઆઈ ઇવેન્ટ્સ' (AAI Events) નામે એક નોટરાઇઝ્ડ પાર્ટનરશિપ કરાર કર્યો હતો. ત્યારબાદ દર્શન શાહની ભલામણથી તેમના ખાસ મેનેજર જયેશ પરમારને પણ આ બિઝનેસ ભાગીદારીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આયોજનની શરૂઆતમાં બધું નિયમ મુજબ ચાલી રહ્યું હતું.
સ્પોન્સર્સ માટેની 'કોમ્પ્લિમેન્ટરી ટિકિટ'નું આયોજન
કાર્યક્રમના ટિકિટિંગ વ્યવસ્થા માટે તમામ પાર્ટનર્સે નક્કી કર્યું હતું કે 'ઝોમેટો' (Zomato) એપના 'ડિસ્ટ્રિક્ટ' (District) પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન તથા ઓફલાઈન પેઇડ ટિકિટોનું પારદર્શક રીતે વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત, ગરબા મહોત્સવના મુખ્ય સ્પોન્સર્સ, ખાસ મહેમાનો અને ઓળખીતાઓ માટે દરરોજ આશરે 4,000 જેટલી ફ્રી (કોમ્પ્લિમેન્ટરી) ટિકિટો અલગ રાખવા અંગે સંમતિ સાધવામાં આવી હતી. તમામ ભાગીદારોએ સ્પષ્ટ નિયમ બનાવ્યો હતો કે કોઈ પણ ભાગીદારની લેખિત કે મૌખિક મંજૂરી વગર વધારાની કોઈ પણ ફ્રી ટિકિટ કે પાસ બહાર આપી શકાશે નહીં.
ગેરકાયદે ટિકિટ વેચતા બે શખસો ઝડપાયા
ગરબા મહોત્સવ ધામધૂમથી ચાલી રહ્યો હતો તે દરમિયાન ગ્રાઉન્ડ પર બે અજાણ્યા વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે પાસ અને ટિકિટોનું વેચાણ કરતા પકડાયા હતા. આયોજકોએ તેમની કડક પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. તેમણે જણાવ્યું કે આ ટિકિટો તેમને 'ટિકિટ ટાવર' કંપનીના ઉમંગ નામના વ્યક્તિ પાસેથી મળી હતી. જ્યારે ઉમંગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સત્ય સામે આવ્યું કે આ ટિકિટો તેને ભાગીદાર દર્શન શાહ દ્વારા આપવામાં આવી હતી. આ ટિકિટો મૂળ સ્પોન્સર્સ માટેની ફ્રી કોમ્પ્લિમેન્ટરી ટિકિટો જ હતી, જેને બારોબાર વેચવામાં આવી રહી હતી. જોકે, તે સમયે ગરબાનો કાર્યક્રમ ખોરવાય નહીં તે હેતુથી અન્ય ભાગીદારોએ તાત્કાલિક કોઈ મોટું પગલું ભર્યું નહોતું.
ઝોમેટોના ડેટાથી થયો મસમોટો ખુલાસો
ગરબા મહોત્સવ પૂર્ણ થયા બાદ જ્યારે ભાગીદારોએ 'ડિસ્ટ્રિક્ટ' પ્લેટફોર્મ પાસેથી ટિકિટિંગનો સંપૂર્ણ ડેટા અને રેકોર્ડ્સ મેળવ્યા ત્યારે કૌભાંડનો અસલી ચહેરો સામે આવ્યો હતો. ઝોમેટો પાસેથી માગવામાં આવેલી સ્પષ્ટતામાં બહાર આવ્યું કે સ્પોન્સર્સ માટેની ફ્રી કોમ્પ્લિમેન્ટરી ટિકિટો દર્શન શાહના કન્સલ્ટન્ટ મારફતે તેના ભત્રીજા રવિ શાહને મોકલવામાં આવી હતી. આ ટિકિટોને ગેરકાયદેસર રીતે સિસ્ટમમાં પેઇડ ટિકિટ તરીકે મૂકીને ઓનલાઈન વેચી મારવામાં આવી હતી. જ્યારે અન્ય ભાગીદારોએ દર્શન શાહ પાસે હિસાબ માગ્યો ત્યારે તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આમ, અન્ય પાર્ટનર્સની અંધારામાં રાખીને અંદાજે ₹8 થી 10 કરોડ રૂપિયા બારોબાર મેળવી લેવાયા હતા.
સરખેજ પોલીસની કડક કાર્યવાહી
અર્જુન ભૂતિયાની ફરિયાદના આધારે સરખેજ પોલીસે પાર્શ્વ જ્વેલર્સના દર્શન શાહ, તેમના મેનેજર જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈ નામના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનાહિત છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે. પોલીસે ભાગીદારી કરારના દસ્તાવેજો, ટિકિટિંગના ઓનલાઈન રેકોર્ડ્સ, ઝોમેટો ટ્રાન્ઝેક્શન ડેટા અને તમામ સંબંધિત બેંક એકાઉન્ટ ડિટેલ્સ જપ્ત કરીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ આરોપીઓની ચોક્કસ ભૂમિકા અને નાણાકીય ગેરરીતિનો સાચો આંકડો મેળવવા માટે આગળની કાર્યવાહી કરી રહી છે.








