Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વકુંજ ચાર રસ્તા પાસે ૨૦ નવેમ્બરની મોડી રાત્રે જાનમાં જતી એક થાર કારના ચાલકે અકસ્માત સર્જતા માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો. કારચાલકે એક્ટિવા પર જઈ રહેલા એક દંપતીને જોરદાર ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. આ ગંભીર ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા અને રોષે ભરાયેલા ટોળાએ થાર કારમાં તોડફોડ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતાં ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને ડીસીપી ઝોન ૭ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.
કારની ટક્કર વાગતા દંપતી નીચે પટકાયું
મળતી માહિતી મુજબ શહેરના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે એક્ટિવા ઉપર દંપતી જઈ રહ્યું હતું, ત્યારે બે થાર ગાડી અને ટુ-વ્હીલરો સાથે લઘુમતી સમાજના યુવકો મિરઝાપુરથી દાણીલીમડા જાન લઈને જઈ રહ્યા હતાં. તે દરમિયાનમાં એક થાર ગાડીની આગળના ભાગે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ગાડીની ટક્કર વાગી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા. અકસ્માત સર્જીને કારચાલક યુવકો દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડાઈ
અકસ્માતની ઘટના જોતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. કારની ટક્કર વાગવાથી દંપતી નીચે પટકાયું હતું, જેમાં મહિલાને ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. બીજી તરફ, રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર યુવકને પકડી રાખ્યો હતો, જેના કારણે ઘટનાસ્થળે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
ધારાસભ્ય અને DCP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ તેમના પુત્ર સાથે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને ડીસીપી ઝોન ૭ને જાણ કરવામાં આવતા તેઓ અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસ આવે તે પહેલાં ઉશ્કેરાયેલા ટોળાએ થાર ગાડીમાં તોડફોડ કરી હતી, જેના કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસે ઝડપી કાર્યવાહી કરવી પડી હતી.
બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત સર્જનાર થાર કારચાલક યુવકને તાત્કાલિક ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી હતી. આ સમગ્ર મામલે બે અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. એન ડિવિઝન ટ્રાફિક પોલીસમાં અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં થાર ગાડીના ચાલક દ્વારા એક્ટિવા ચાલક અને 10થી 15 લોકો વિરુદ્ધ માર મારવા અને ગાડીમાં તોડફોડ કરવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ
પોલીસ દ્વારા હાલમાં અકસ્માત સર્જનાર યુવકને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે. ડીસીપીની હાજરીમાં બંને પક્ષોની ફરિયાદ નોંધીને પોલીસે કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા અકસ્માત અને ત્યારબાદ થયેલી તોડફોડ તથા દાદાગીરીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે.અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ટ્રાફિક અને પાલડી પોલીસ દ્વારા અકસ્માત અને ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.








