Ahmedabad Thaltej Magnet Park Fire: અમદાવાદના પોશ વિસ્તાર થલતેજમાં ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા મેગ્નેટ પાર્ક કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બિલ્ડિંગના બીજા માળે આવેલી એક IT કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આ સમયે કંપનીમાં અંદાજે 30થી 40 લોકો હાજર હતા, જેઓ આગ અને ધુમાડાને કારણે અંદર ફસાઈ ગયા હતા. બહાર નીકળવાનો રસ્તો મુશ્કેલ બનતાં કર્મચારીઓ જીવ બચાવવા બારીઓમાંથી બહાર આવ્યા હતા. કેટલાક લોકો છજા પર ઊભા રહી મદદની રાહ જોતા જોવા મળ્યા હતા, જ્યારે બે કર્મચારીઓએ નીચે કૂદકો માર્યો હતો. આ દુર્ઘટનામાં નીચે કૂદેલા એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગૂંગળામણની અસર થતાં પાંચ લોકોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બીજા માળે આગ લાગતાં બિલ્ડિંગમાં નાસભાગ
થલતેજ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા મેગ્નેટ પાર્કમાં એક ખાનગી કંપનીની ઓફિસના બીજા માળે આગ લાગી હતી. સામાન્ય દિવસની જેમ કર્મચારીઓ ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાઈ હતી. થોડી જ વારમાં કાળા ધુમાડાએ સમગ્ર ફ્લોરને ઘેરી લીધો હતો. ધુમાડાને કારણે કર્મચારીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી હતી. આગ અને ગૂંગળામણથી ગભરાયેલા લોકો જીવ બચાવવા માટે બહાર નીકળવાના રસ્તા શોધવા લાગ્યા હતા.
બહાર નીકળવાનો રસ્તો બંધ થતાં બે કર્મચારીઓએ નીચે કૂદકો માર્યો
આગના કારણે ગાઢ ધુમાડો મુખ્ય એક્ઝિટ માર્ગ સુધી ફેલાઈ ગયો હતો. પરિણામે કેટલાક કર્મચારીઓ અંદર જ ફસાઈ ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફ અને જીવના જોખમને કારણે બે કર્મચારીઓએ બારીમાંથી સીધા ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. નીચે પટકાવાથી બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક મદદ કરી બંનેને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

જીવ બચાવવા લોકો છજા પર ઊભા રહ્યા
આગની જ્વાળાઓ અને ધુમાડાથી બચવા કેટલાક કર્મચારીઓ બારીઓમાંથી બહાર નીકળીને છજા પર ઊભા રહી ગયા હતા. બિલ્ડિંગની બહાર લોકોનો મોટો જમાવડો થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ પણ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે આસપાસથી સીડીની વ્યવસ્થા કરી હતી. નાની સીડીની મદદથી કેટલાક લોકો ધીમે-ધીમે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.

ફાયર વિભાગે સીડી અને સ્નોર્કલની મદદથી રેસ્ક્યૂ કર્યું
ઘટનાની જાણ થતાં નજીકના ફાયર સ્ટેશનોમાંથી પાંચથી છ ફાયર ફાઇટરો અને રેસ્ક્યૂ વાન સહિતનો કાફલો મેગ્નેટ પાર્ક પહોંચ્યો હતો. ફાયર જવાનોએ એક તરફ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે બીજી તરફ સીડી અને સ્નોર્કલની મદદથી બિલ્ડિંગમાં ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની સમયસૂચક કામગીરીને કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ મળી હતી અને મોટી જાનહાનિ ટળી હતી.

ગૂંગળામણ થતાં પાંચ લોકોને હોસ્પિટલ ખસેડાયા
આગ અને ધુમાડાને કારણે ગૂંગળામણની અસર થતાં પાંચ લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ લોકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં બે કર્મચારીઓએ બારીમાંથી કૂદકો મારતાં તેમને ઈજાઓ પહોંચી હતી. અન્ય લોકોને પણ ધુમાડાથી અસર થઈ હતી.

ભારે જહેમત બાદ આગ કાબૂમાં, શોર્ટ સર્કિટની આશંકા
ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારબાદ બિલ્ડિંગમાં કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, પ્રાથમિક દૃષ્ટિએ વિદ્યુત વાયરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કારણે ઓફિસના ફર્નિચર અને અન્ય સાધનસામગ્રીને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.








