Ahmedabad Thaltej Murder: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મથુરા નગરી ઔડાના મકાનમાં રહેતા AMCના સફાઈ કામદાર કનુભાઈની છરાના ઘા મારી હત્યા કરવામાં આવી છે. પોતાના નાના દીકરાને વારંવાર બીડી-સિગારેટ લેવા મોકલવા બદલ ઠપકો આપતાં ઉશ્કેરાયેલા શખસે કનુભાઈ પર હુમલો કર્યો હતો. ગત રાત્રે બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કનુભાઈનું સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે આરોપી ધ્રુવ મકવાણા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
આરોપી મૃતકના દીકરા પાસે વારંવાર સિગારેટ મંગાવતો હતો
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે કનુભાઈ ઘરેથી સામાન લેવા માટે બહાર નીકળ્યા હતા. તે સમયે તેમનો દીકરો માનવ આવાસના બ્લોકમાં નીચે બેઠો હતો. ત્યાં કનુભાઈના સમાજનો જ અને ઘાટલોડિયામાં રહેતો ધ્રુવ મકવાણા પણ હાજર હતો. આરોપી ધ્રુવ અવારનવાર કનુભાઈના દીકરા માનવને ગલ્લા પરથી બીડી અને સિગારેટ લેવા મોકલતો હતો. ગઈકાલે રાત્રે પણ ધ્રુવે માનવને બૂમ પાડીને સિગારેટ લાવવા કહ્યું હતું. આ વાત કનુભાઈએ સાંભળી લીધી હતી.
'મારો દીકરો નાનો છે' કહેતાં ઉશ્કેરાયેલા શખસે છરો કાઢ્યો
દીકરાને સિગારેટ લેવા મોકલવા બદલ કનુભાઈએ ધ્રુવને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મારો દીકરો નાનો છે, તેની પાસે બીડી-સિગારેટ કેમ મંગાવે છે?' આ વાતથી ધ્રુવ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કનુભાઈને લાફો મારી દીધો હતો. જવાબમાં કનુભાઈએ પણ ધ્રુવને લાફો માર્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા ધ્રુવે પોતાના પેન્ટમાંથી છરો કાઢ્યો હતો અને કનુભાઈની ડાબી સાથળમાં ઘા ઝીંકી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સોલા સિવિલમાં સારવાર દરમિયાન કનુભાઈનું મોત
છરાનો ઘા વાગતાં કનુભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ કનુભાઈનાં પત્ની મીનાબેને ધ્રુવ મકવાણા વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.








