Ahmedabad Subhash Bridge Closed: અમદાવાદના સૌથી વ્યસ્ત અને મહત્વના ગણાતા સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે ગુરુવારે સાંજે એકાએક બંધ કરી દેતા ટ્રાફિક વ્યવસ્થામાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. સાંજના પીક અવર સમયે કોઈપણ પૂર્વ સૂચના વિના બ્રિજ બંધ કરી દેતા નારણઘાટ, વાડજ અને સુભાષ બ્રિજ સર્કલ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકો બ્રિજના પ્રવેશદ્વારેથી જ પાછા વળવા મજબૂર બન્યા અને ટ્રાફિક પોલીસને રસ્તા પર ઉતરીને ટ્રાફિક મેનેજમેન્ટ કરવો પડ્યો.
મધ્ય ભાગમાં તિરાડ દેખાતાં AMC સતર્ક
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળતાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા સંદર્ભે જોખમને ધ્યાનમાં લઈને સાંજે છ વાગ્યે બ્રિજને તમામ વાહન વ્યવહાર માટે પૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા તિરાડના કારણ અને નુકશાનના સ્તરને ઓળખવા ટેક્નિકલ તપાસ ચાલુ છે. બ્રિજ કેટલા સમય સુધી બંધ રહેશે તેની સત્તાવાર જાહેરાત હજી કરવામાં આવી નથી.

બ્રિજનો એક સ્પાન બેસી ગયો હોવાનો અહેવાલ
સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિજના બંને તરફનો ભાગ મધ્ય સ્પાનમાંથી નીચે બેસી ગયો છે, જેના કારણે તેની માળખાકીય સ્થિરતાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. આવતીકાલે સવારે નિષ્ણાતોની ટેક્નિકલ ટીમ દ્વારા વિગતવાર નિરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવાશે.

1 લાખથી વધુ વાહનચાલકો પ્રભાવિત
સુભાષ બ્રિજ પરથી રોજના અંદાજે એક લાખથી વધુ વાહનો પસાર થાય છે. જૂના શહેર અને કોટ વિસ્તાર તરફ આવનજાવન માટે આ બ્રિજ મુખ્ય પ્રવેશ માર્ગ તરીકે ઓળખાય છે. બ્રિજ બંધ થતાં સાબરમતી, અખબારનગર, નારણઘાટ, ગાંધી આશ્રમ અને વાડજ વિસ્તારમાં ભારે ભીડ નજરે પડી રહી છે. હાલ વાહનચાલકોને વ્યાસવાડી માર્ગ, ગાંધી આશ્રમના નવા રોડ અને દધીચિ બ્રિજ થઈને શાહીબાગ, આશ્રમ રોડ અને દિલ્હી દરવાજા તરફ જવાની સલાહ આપવામાં આવી છે.
R&B વિભાગ પણ તપાસમાં જોડાયો
બ્રિજના એક સ્પાનના બેસી જવાની માહિતી મળતાં રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને AMC સાથે સંયુક્ત તપાસ કરી રહી છે.
AMC અધિકારીનું નિવેદન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેએ જણાવ્યું કે બ્રિજ પર રિપેર અને રિહેબિલિટેશનનું કામ ચાલુ હતું ત્યારે માળખામાં ક્ષતિ જોવા મળતા આકસ્મિક રૂપે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. “શહેરજનોની સલામતી સર્વોપરી છે. ટેક્નિકલ ટીમ આવતીકાલે તપાસ કરશે ત્યારબાદ ચોક્કસ કારણો અને આગળની કાર્યવાહી જાહેર કરવામાં આવશે,” એમ તેમણે જણાવ્યું. સાથે જ નાગરિકોને તાત્કાલિક વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી.
1973માં બનાવાયો હતો બ્રિજ
સુભાષ બ્રિજનો નિર્માણ વર્ષ 1973માં કરવામાં આવ્યો હતો અને તે સાબરમતી નદી પર પૂર્વ-પશ્ચિમ વિસ્તારો જોડતો મુખ્ય કડી છે. દાયકાઓથી સતત ભારે ટ્રાફિકનો ભાર વહન કરતા આ બ્રિજની અચાનક બંધાવતાથી નાગરિકોમાં ચિંતા અને ગુસ્સો જોવા મળ્યો. હાલ તમામની નજર ટેક્નિકલ તપાસના અહેવાલ પર છે જેના આધારે બ્રિજ પુનઃશરૂ થઈ શકે એવી શક્યતા છે, ત્યાં સુધી શહેરને વિકલ્પ માર્ગો પર નિર્ભર રહેવું પડશે.








