Ahmedabad Solid Waste Management: અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે સૂકો, ભીનો, સેનિટરી અને જોખમી એમ ચાર પ્રકારનો કચરો અલગ કરીને નહીં આપનારાઓ સામે ₹3,750 સુધીનો દંડ વસૂલવામાં આવી શકે છે. જ્યારે રસ્તા, નદી, તળાવ, કેનાલ જેવા જાહેર સ્થળોએ કચરો ફેંકવા બદલ ₹12,500 સુધીની પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં નવા નિયમોને મંજૂરી આપવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ભીનો કચરો પ્રોસેસ નહીં કરો તો ₹1 લાખ સુધી દંડ
નવા નિયમો મુજબ, દરરોજ 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોને બલ્ક વેસ્ટ જનરેટર તરીકે ગણવામાં આવે છે. તેમાં મોટી સોસાયટીઓ, રેસ્ટોરન્ટ, મોલ, કચેરીઓ અને અન્ય વાણિજ્યિક તથા સંસ્થાકીય એકમોનો સમાવેશ થઈ શકે છે. આવા એકમોએ પોતાના ભીના કચરાનું સ્થળ પર જ એટલે કે ઓન-સાઈટ પ્રોસેસિંગ કરવું પડશે. જો નિયમનું પાલન નહીં થાય તો રહેણાંક સોસાયટીઓ પાસેથી ₹5,000થી ₹20,000 સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ દર્શાવવામાં આવી છે. જ્યારે વાણિજ્યિક એકમો અને સરકારી તથા ખાનગી સંસ્થાઓ સામે ₹10,000થી ₹1 લાખ સુધીની પેનલ્ટી થઈ શકે છે.
ચાર પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત
નિયમો મુજબ કચરાને ચાર અલગ શ્રેણીમાં વહેંચવાનો રહેશે:
સૂકો કચરો: કાગળ, પ્લાસ્ટિક, ધાતુ અને અન્ય રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓ.
ભીનો કચરો: ખોરાકના અવશેષો, શાકભાજીની છાલ અને અન્ય જૈવિક કચરો.
સેનિટરી કચરો: વપરાયેલાં સેનિટરી પેડ્સ, ડાયપર અને સંબંધિત કચરો.
જોખમી કચરો: ઘરગથ્થુ અથવા અન્ય સ્તરે ઉત્પન્ન થતી જોખમી વસ્તુઓ.
કચરાનું વર્ગીકરણ કર્યા વગર એકસાથે આપનાર રહેણાંક અને વાણિજ્યિક એકમો સામે દંડ વસૂલવાની જોગવાઈ છે. ગંભીર પ્રકારની બેદરકારીના કિસ્સામાં સામાન્ય દંડ કરતાં ત્રણ ગણો દંડ પણ થઈ શકે છે, તેમ અહેવાલોમાં જણાવાયું છે.
રસ્તા, નદી કે તળાવમાં કચરો ફેંક્યો તો ₹12,500નો દંડ
જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. રસ્તા, નદી, તળાવ, કેનાલ અથવા અન્ય જાહેર સ્થળોએ કચરો ફેંકવા બદલ ₹12,500 સુધીનો દંડ થઈ શકે છે. ચાલુ વાહનમાંથી બહાર કચરો ફેંકવો પણ દંડનીય બની શકે છે. આ ઉપરાંત, જાહેર સભા, સરઘસ અથવા અન્ય કાર્યક્રમો પૂર્ણ થયા બાદ આયોજકો દ્વારા સ્થળની સફાઈ નહીં કરવામાં આવે તો ₹5,000 સુધીની પેનલ્ટીની જોગવાઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
મ્યુનિસિપલ કર્મચારીઓની બેદરકારી સામે શું કાર્યવાહી થશે?
નવા નિયમોનો હેતુ શહેરમાં સ્વચ્છતા જાળવવાનો અને કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન આપવાનો છે. નાગરિકો અને વેપારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થાય તો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, આ સાથે મ્યુનિસિપલ તંત્રની જવાબદારી અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. નિયમિત સફાઈ ન થવી, ડોર-ટુ-ડોર કચરા સંગ્રહમાં બેદરકારી, ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલા થવા અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવા જેવી સમસ્યાઓ માટે જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે શું કાર્યવાહી થશે, તે મુદ્દો પણ મહત્ત્વનો છે. સ્વચ્છતા જાળવવા નાગરિકો પાસેથી નિયમોનું પાલન કરાવવું જરૂરી છે, પરંતુ મ્યુનિસિપલ તંત્રની જવાબદારી અને કામગીરીની નિયમિત દેખરેખ પણ એટલી જ જરૂરી છે. નાગરિકો માટે દંડની જોગવાઈ સાથે સફાઈ વ્યવસ્થામાં બેદરકારી બદલ જવાબદારી નક્કી કરવામાં આવે છે કે નહીં, તેના પર હવે નજર રહેશે.








