Ahmedabad Shahibaug underbridge: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરબ્રિજ પર રેલવે ટ્રેકના મજબૂતીકરણ અને જર્જરિત પ્લેટો બદલવાની કામગીરીને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. વેસ્ટર્ન રેલવે દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી અગાઉ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ટ્રેનોની સતત અવર-જવર વચ્ચે કામ પૂર્ણ ન થતા હવે નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકોને અસર થવાની શક્યતા છે.
શાહીબાગ અંડરબ્રિજ સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ
આ જાહેરનામા મુજબ, 3 એપ્રિલ 2026થી 7 એપ્રિલ 2026 સુધી દરરોજ બપોરે 12:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી શાહીબાગ અંડરબ્રિજ સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન અંડરબ્રિજના ત્રણેય પ્રવેશ અને નિકાસ માર્ગો બંધ રાખવામાં આવશે, જેથી રેલવે વિભાગ પોતાની કામગીરી નિર્વિઘ્ન રીતે પૂર્ણ કરી શકે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા
ટ્રાફિકની સમસ્યાઓ ટાળવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી દરવાજા અથવા સુભાષબ્રિજ તરફથી એરપોર્ટ કે ગાંધીનગર જવા ઇચ્છુક વાહનચાલકો માટે સુભાષબ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ થઈ રિવરફ્રન્ટ રોડ મારફતે ડફનાળા થઈને આગળ વધવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ, એરપોર્ટ અથવા ગાંધીનગરથી શહેર તરફ આવતા વાહનચાલકો ડફનાળાથી રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકશે.
ઇન્દિરા બ્રિજ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું
અસારવા, ગીરધરનગર અથવા કાલુપુર તરફ જવા માટે શાહીબાગ મારફતે મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરવો રહેશે. ઉપરાંત, ગીરધરનગર અને અસારવાથી ગાંધીનગર અથવા એરપોર્ટ તરફ જવા માટે શાહીબાગથી અનેક્ષી, ગાયત્રી મંદિર થઈ આર્મી કેન્ટોનમેન્ટ રોડ દ્વારા ઇન્દિરા બ્રિજ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ સમગ્ર વ્યવસ્થા અંગે સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) નીરજ કુમાર બડગૂજર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને દર્શાવાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી સહકાર આપે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચાલી શકે.








