Ahmedabad Cyber Crime: અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે દાણીલીમડા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા 66 વર્ષીય એક નિવૃત્ત સિનિયર સિટીઝન સાયબર ઠગોની ચાલબાજીનો શિકાર બન્યા છે. ક્રેડિટ કાર્ડ આપવાના બહાને ઠગોએ તેમની સાથે રૂ. 3.38 લાખની મોટી ઠગાઈ આચરી છે. ભેજાબાજ ગેંગે બેંક કર્મચારી બનીને વૃદ્ધનો સંપર્ક કર્યો હતો અને તેમને વિશ્વાસમાં લઈને મોબાઈલ ફોનમાં એક ખતરનાક ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. આ ફાઈલના માધ્યમથી ઠગોએ વૃદ્ધના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી ગણતરીની મિનિટોમાં મોટી રકમ ઉપાડી લીધી હતી.
સોશિયલ મીડિયાની જાહેરાતથી શરૂ થઈ ઠગાઈની કહાની
દાણીલીમડાની ઝારા રેસીડેન્સીમાં રહેતા નાવેદ ઝાહીદબેગ ચુગતાલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, આ સમગ્ર ઘટનાની શરૂઆત ફેસબુક પર જોયેલી એક જાહેરાતથી થઈ હતી. તેમણે સોશિયલ મીડિયા પર 'સિનિયર સિટીઝન ક્રેડિટ કાર્ડ' અંગેની જાહેરાત જોઈ હતી. આ અંગે વધુ માહિતી મેળવવા તેઓ કાંકરિયા અપ્સરા સિનેમા પાસે આવેલી ICICI બેંકની શાખામાં પણ ગયા હતા, જ્યાં બેંકમાંથી સામેથી ફોન આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 14 ઓક્ટોબરના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. કૉલ કરનારે પોતે ICICI બેંકનો કર્મચારી હોવાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડની પ્રોસેસ આગળ વધારવા માટે વાતચીત કરી હતી.
વોટ્સએપ પર ફાઈલ મોકલી મોબાઈલનો કંટ્રોલ મેળવ્યો
ત્યારબાદ સાયબર ઠગે વૃદ્ધને વોટ્સએપ પર ફોર્મ મોકલવાના બહાને બીજા એક નંબર પરથી 'ICICI Pension Card Download Form.apk' તથા 'Customer support.2.apk' નામની બે શંકાસ્પદ ફાઈલો મોકલી હતી. નિવૃત્ત વૃદ્ધે અજાણતામાં જેવી આ ફાઈલો ઓપન કરી કે તુરંત જ તેમનો ફોન હેન્ગ થઈ ગયો અને આપમેળે અપડેટ થવા લાગ્યો હતો. વાસ્તવમાં આ ફાઈલ્સ ડાઉનલોડ થતાં જ ઠગોએ તેમના મોબાઈલ ફોનનો રિમોટ એક્સેસ (Remote Access) મેળવી લીધો હતો. આ દરમિયાન ફોનમાં બેંકમાંથી પૈસા કપાવાના મેસેજ આવવા લાગતાં વૃદ્ધ ચમકી ગયા હતા અને તેમણે ત્વરિત બુદ્ધિ વાપરીને ઈન્ટરનેટ ડેટા બંધ કરી દીધો હતો.
મિનિટોમાં ₹3.38 લાખ ગાયબ: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઈન્ટરનેટ ડેટા બંધ કર્યો ત્યાં સુધીમાં તો ભેજાબાજ સાયબર ઠગોએ પોતાનું કામ પતાવી લીધું હતું. ઠગોએ વૃદ્ધના પુણે સ્થિત ચિંચવડ બ્રાંચના સેવિંગ્સ એકાઉન્ટમાંથી રૂ.2.35 લાખ અને વિઝા પ્લેટિનમ ક્રેડિટ કાર્ડમાંથી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 1.03 લાખ મળીને એકંદરે રૂ. 3.38 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. પોતાની સાથે મોટો ફ્રોડ થયો હોવાની જાણ થતાં જ વૃદ્ધે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે દાણીલીમડા પોલીસે અજાણ્યા સાયબર ઠગો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.
અજાણી APK ફાઈલ્સ ડાઉનલોડ કરવાથી રહો સાવધાન
આજના સમયમાં સાયબર ગુનેગારો લોકોને ઠગવા માટે નવી-નવી તરકીબો અપનાવી રહ્યા છે. બેંક ક્યારેય પણ વોટ્સએપ કે થર્ડ પાર્ટી એપ દ્વારા કોઈ ફાઈલ ડાઉનલોડ કરવા કે વ્યક્તિગત વિગતો માંગતી નથી. જો તમને પણ વોટ્સએપ કે એસએમએસ (SMS) પર કોઈ ડાઉનલોડ લિંક કે .apk ફાઈલ મળે તો તેને ભૂલથી પણ ઓપન ન કરવી જોઈએ. કોઈપણ અજાણી ફાઈલ કે એપ તમારા મોબાઈલનો કંટ્રોલ હેકર્સને આપી શકે છે. સાયબર ફ્રોડનો ભોગ બનતાં જ વિલંબ કર્યા વગર 1930 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવવી ખૂબ જરૂરી છે.








