Ahmedabad schools bomb threat: અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરની વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ સહિત આશરે 10 શાળાઓને ધમકી મળ્યા બાદ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક અલગ-અલગ શાળાઓમાં પહોંચી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને વહેલા ઘરે મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ધમકીભર્યા ઇમેઇલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પણ ઉલ્લેખ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જેના પગલે સ્ટેડિયમ ખાતે પણ પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને સમગ્ર પરિસરની તપાસ કરવામાં આવી રહી છે.
કઈ-કઈ શાળાઓને ધમકી મળી?
પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદની આશરે 10 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. તેમાં મુખ્યત્વે નીચેની શાળાઓના નામ સામે આવ્યા છે:
- વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ
- સેટેલાઇટની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન
- છારોડી સ્થિત SGVP સ્કૂલ
- સંત કબીર સ્કૂલ
- એશિયા સ્કૂલ
- ડ્રાઇવ-ઇન રોડ વિસ્તારની અન્ય શાળાઓ
હાલ સમગ્ર યાદીની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે અને ધમકી મળેલી શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમો શાળાઓમાં પહોંચી
ધમકીની જાણ થતાં જ સંબંધિત શાળાઓના વહીવટી તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની વિવિધ ટીમો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા શાળાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ગાડીઓને પણ જરૂરી સાવચેતીના ભાગરૂપે ઘટનાસ્થળ તરફ મોકલવામાં આવી છે. પોલીસ દ્વારા શાળાના પરિસર, વર્ગખંડો, કોમન એરિયા અને અન્ય સંવેદનશીલ સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓને વહેલા ઘરે મોકલાયા
ધમકીના પગલે કોઈપણ પ્રકારની અફરાતફરી ન સર્જાય અને વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને વહેલા રજા આપી દેવામાં આવી છે. શાળાઓના વહીવટી તંત્ર દ્વારા વાલીઓને મેસેજ મોકલીને વિદ્યાર્થીઓને વહેલા લઈ જવા માટે જાણ કરવામાં આવી છે. મેસેજ મળ્યા બાદ મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળાઓમાં પહોંચ્યા હતા.
DEOએ શાળાઓને આપી મહત્વની સૂચના
અમદાવાદના DEO રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, ધમકીની ઘટનાને પગલે તમામ સંબંધિત શાળાઓને સ્થાનિક પોલીસને તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓમાં કોઈપણ પ્રકારનો પેનિક કે અફરાતફરી ન સર્જાય તે રીતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને વાલીઓને સોંપવાની સૂચના પણ આપવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ધમકી
શાળાઓ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ધમકીના પગલે પોલીસની ટીમ સ્ટેડિયમ પર પહોંચી ગઈ છે અને સમગ્ર સ્ટેડિયમ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી સમયમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવાનો છે. તેથી સ્ટેડિયમને મળેલી ધમકીને લઈને સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે.
ધમકી સાચી કે ખોટી? તપાસ બાદ થશે સ્પષ્ટ
હાલ મળેલી ધમકીની સત્યતા અંગે સત્તાવાર રીતે કોઈ અંતિમ પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ ધમકીભર્યા ઇમેઇલનો સ્ત્રોત શોધવા માટે પણ તપાસ શરૂ કરશે. હાલ પ્રાથમિકતા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ધમકી પાછળનું સાચું કારણ અને તેની ગંભીરતા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.








