Ahmedabad Sarkhej honor killing: અમદાવાદમાં 22 વર્ષીય સોફિયાના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં અકસ્માતમાં યુવતીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસની તપાસમાં આ અકસ્માત નહીં પરંતુ કથિત ઓનર કિલિંગ હોવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ સોફિયાના પિતા મોહંમદ ફારૂક અને ભાઈ મોહંમદ હાબીલે સમાજમાં પરિવારની આબરૂ જાળવવાના નામે તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 12 ઓગસ્ટની રાત્રે બંને સોફિયાને બાઈક પર બેસાડી સરખેજના ઘેલજીપુરા ગામ નજીકના અવાવરુ વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં ભાઈએ લોખંડની હથોડીથી તેના માથામાં ત્રણ ઘા મારી હત્યા કરી હોવાનો આરોપ છે.
પિતા અને ભાઈએ હત્યાનું કાવતરું રચ્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આશરે ત્રણ મહિના અગાઉ સોફિયાનો એક યુવક સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો, પરંતુ તે અન્ય યુવકોના સંપર્કમાં હોવાની શંકાને કારણે પિતા અને ભાઈએ હત્યાનું કાવતરું રચ્યું હતું. બંને આરોપીઓ પોતાની ફેબ્રિકેશન અને વેલ્ડિંગની દુકાનેથી હથોડી લઈને સોફિયાને લેવા ગયા હતા. રસ્તામાં ત્રણ વખત બાઈકનો ડ્રાઈવર બદલ્યા બાદ તેઓ ઘેલજીપુરાના એક સુમસામ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં સોફિયાના માથામાં હથોડીના ઘા મારી તેની હત્યા કર્યા બાદ મૃતદેહને અદ્વૈત બંગલોઝ નજીક લાવવામાં આવ્યો હતો.
સોફિયાને ગંભીર ઈજા થઈ અને હોસ્પિટલમાં તેનું મોત થયું
હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપવા માટે આરોપીઓએ પોતાની બાઈક પછાડી હતી અને પોતાના હાથ પર પણ ઈજા કરી હોવાનો પોલીસનો દાવો છે. ત્યારબાદ ભાઈ મોહંમદ હાબીલે ‘એમ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે પાછળ બેઠેલી સોફિયાને ગંભીર ઈજા થઈ અને હોસ્પિટલમાં તેનું મોત થયું. જોકે, CCTV તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળે અકસ્માત થયો હોવાના પુરાવા મળ્યા નહોતા. અદ્વૈત બંગલોઝના ફૂટેજમાં ઘટનાના આશરે 30 મિનિટ બાદ ત્રણ લોકો બાઈક પર આવતા અને બાઈક પડવાનો અવાજ સંભળાતો જોવા મળ્યો હતો. આ વિસંગતતાના આધારે ટેકનિકલ તપાસ શરૂ કરાઈ હતી.
પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હોવાનો પોલીસનો દાવો
ફરિયાદી હાબીલની પૂછપરછમાં તેના જણાવેલા રૂટ અને CCTV ફૂટેજના સમય વચ્ચે પણ અનેક વિસંગતતાઓ મળી હતી. ત્યારબાદ કડક પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હોવાનો પોલીસનો દાવો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહરના રહેવાસી છે અને હાલ સરખેજના ફતેવાડી વિસ્તારમાં રહે છે. પિતાને પાંચ દીકરીઓ અને ભાઈને ચાર દીકરીઓ હોવાથી સમાજમાં બદનામી તથા અન્ય દીકરીઓના લગ્નમાં મુશ્કેલી ઊભી થવાના ડરથી આ કથિત હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હવે પોલીસે પિતા-પુત્ર સામે હત્યા અને ખોટી હકીકત ઉભી કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાના આરોપસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








