Ahmedabad Drugs Peddler House Demolition: ગુજરાતમાં નશાના કાળા કારોબારને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગાંજાના વેપાર સાથે સંકળાયેલા આરોપી દંપતીના ગેરકાયદે મકાન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુનિતા રાઠોડ અને તેના પતિ દીપક રાઠોડ વિરુદ્ધ વર્ષ 2014થી અત્યાર સુધીમાં 65થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. અગાઉ પણ આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ દંપતીએ ફરીથી બાંધકામ કરી ત્યાં રહેવાનું શરૂ કરી દીધું હતું.
131 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયા બાદ ખુલ્યો કારોબાર
મળતી માહિતી મુજબ, 18 નવેમ્બરે બોડકદેવ પોલીસે થલતેજના મળાવ તળાવ પાસેથી રાજુ ભીલ નામના યુવકને 131 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાજુ ભીલ સરખેજના સન્યાસ આશ્રમ નજીક આવેલી વસાહતમાં રહેતી સુનિતા રાઠોડ પાસેથી નિયમિત રીતે ગાંજાનો જથ્થો લાવતો હતો અને તેનું વેચાણ કરતો હતો. આ માહિતીના આધારે પોલીસે સુનિતા રાઠોડના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસને સવા બે કિલો ગાંજો અને રૂ. 54 લાખની રોકડ રકમ મળી આવી હતી.

અગાઉ મકાન તોડાયું હતું, ફરીથી ગેરકાયદે બાંધકામ કર્યું
પોલીસ તપાસ દરમિયાન સુનિતા રાઠોડ અને તેના પતિ દીપક રાઠોડનું મકાન ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2023-24 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે, અગાઉની કાર્યવાહી બાદ પણ દંપતીએ ફરીથી ગેરકાયદે બાંધકામ કરીને ત્યાં રહેવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે જ ગાંજાના વેપારનો કારોબાર પણ ચાલુ રાખ્યો હતો. આ મામલે સરખેજ પોલીસે AMCને જાણ કરતાં ફરીથી ગેરકાયદે મકાન સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત AMC દ્વારા આરોપી દંપતીના મકાનની બાજુમાં આવેલા અન્ય એક NDPS આરોપીના ઘરનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું.


સુનિતા અને દીપક રાઠોડ સામે 65થી વધુ ગુના નોંધાયા
પોલીસ તપાસમાં સુનિતા રાઠોડ અને તેના પતિ દીપક રાઠોડનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં બંને વિરુદ્ધ કુલ 65થી વધુ ગુના નોંધાયા છે. તેમાં સુનિતા રાઠોડ વિરુદ્ધ 46 અને દીપક રાઠોડ વિરુદ્ધ 20 ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં દારૂના ગેરકાયદે વેચાણ, મારામારી અને ડ્રગ્સના વેપાર સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં નશાના કારોબાર સામે પોલીસ અને AMCની આ સંયુક્ત કાર્યવાહીથી સરખેજ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને ડ્રગ્સના નેટવર્ક સામે ફરી એકવાર કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યો છે.








