Jigardan Gadhvi Saachi Navratri Fire NOC Ahmedabad: અમદાવાદ શહેરના ન્યુ સાયન્સ સિટી રોડ પર આવેલ પ્રખ્યાત લોકગાયક જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ' નામના ભવ્ય ગરબા આયોજનમાં ફાયર સેફ્ટી અને કાયદાકીય મંજૂરીઓને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. પ્રથમ નોરતે એટલે કે 11 ઓક્ટોબરના રોજ ફાયર બ્રિગેડની કોઈ પણ પ્રકારની સત્તાવાર NOC મેળવ્યા વગર જ આ ગરબા મહોત્સવ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી અને એડિશનલ ચીફ ઓફિસર જયેશ ખડીયા સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી રહ્યો છે.
નિયમ મુજબ કામગીરી અધૂરી હોવાથી મળ્યું નહોતું ફાયર સર્ટિફિકેટ
મળતી વિગતો મુજબ, 11 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યાના સુમારે અને ત્યારબાદ રાત્રે 9.30 વાગ્યે અમદાવાદ ફાયર બ્રિગેડ અને સોલા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો આયોજન સ્થળે તપાસ કરવા પહોંચી હતી. ચકાસણી દરમિયાન મંડપ અને ડોમમાં ફાયર સેફ્ટીના નિયમો અનુસાર જરૂરી સાધન-સામગ્રી તથા ઈમરજન્સી એક્ઝિટની કામગીરી પૂર્ણ થઈ ન હોવાનું માલૂમ પડ્યું હતું. આ જ કારણોસર ફાયર વિભાગ દ્વારા આયોજકોને એનઓસી જારી કરવામાં આવી નહોતી. નિયમ મુજબ ફાયર NOC વગર સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પણ ગરબા આયોજનની આખરી પરવાનગી આપવામાં આવતી નથી.
પરવાનગી વિના પ્રથમ નોરતે 3થી 4 હજાર ખેલૈયાઓ એકઠા થયા
ફાયર વિભાગ અને અમદાવાદ શહેર પોલીસની સત્તાવાર મંજૂરીઓ ન હોવા છતાં આયોજકો દ્વારા આ નિયમોને કોરાણે મૂકીને પ્રથમ નોરતે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. 11 ઓક્ટોબરની રાત્રે અંદાજે 3,000થી 4,000 જેટલા ખેલૈયાઓ અને દર્શકો આ ગરબા ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા. સુરક્ષા સર્ટિફિકેટ વગર આટલી મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતાં ખેલૈયાઓની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું હતું. આયોજકો દ્વારા કમાણીની લાલચમાં હજારો લોકોના જીવ જોખમમાં મુકવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
બીજા દિવસે સવારે 11.30 વાગ્યે ફાયર બ્રિગેડનો મોટો કાફલો ત્રાટક્યો
પ્રથમ નોરતે મંજૂરી વગર યોજાયેલા આ કાર્યક્રમની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 12 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 11.30 વાગ્યાના અરસામાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ ફરી એકવાર ન્યુ સાયન્સ સિટી રોડ સ્થિત ગરબા ગ્રાઉન્ડ પર ધસી આવી હતી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી પોતે વિઝિટ કરીને ફાયર ફાઇટિંગ સિસ્ટમ, વોટર સપ્લાય, ઇલેક્ટ્રિક વાયરિંગ અને કટોકટીના સમયે બહાર નીકળવાના માર્ગોનું બારીકાઈથી સેફ્ટી ઓડિટ કરી રહ્યા છે.
નિયમોનું પાલન નહીં થાય તો સીલ કરવાની તૈયારી
અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર દ્વારા આ વર્ષે ગરબા આયોજનો માટે અત્યંત કડક દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. ફાયર વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી તમામ 30થી વધુ સુરક્ષાના માપદંડો પૂર્ણ કરીને સત્તાવાર એનઓસી લેવામાં નહીં આવે ત્યાં સુધી બીજા નોરતે ગરબા યોજવા દેવામાં આવશે નહીં. જો આયોજકો ફાયર સેફ્ટીના નિયમો પૂરા કરવામાં નિષ્ફળ જશે તો ગ્રાઉન્ડ સીલ કરવા સુધીની આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે.








