Ahmedabad Roadside Vendors: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શાકમાર્કેટો બનાવવામાં આવી હોવા છતાં મોટાભાગના ફેરિયાઓ માર્કેટમાં બેસવાને બદલે જાહેર રસ્તાઓ પર લારી-પાથરણાં રાખીને ફળ અને શાકભાજીનું વેચાણ કરતા જોવા મળે છે. જાહેર માર્ગો પર ફળ-શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ હોવાથી હવે આ પ્રકારના દબાણો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી મ્યુનિસિપલ કોર્પોરેશને આપી છે.
લારી જપ્તથી ફોજદારી કાર્યવાહી સુધીની ચેતવણી
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા માર્કેટ સિવાયના સ્થળોએ ફળ અને શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ સામે એસ્ટેટ વિભાગ આગામી દિવસોમાં કાર્યવાહી કરશે. કાર્યવાહી દરમિયાન લારી જપ્ત કરવા ઉપરાંત આકરો દંડ વસૂલવા તેમજ જરૂર પડે તો ફોજદારી રાહે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. જોકે, મ્યુનિસિપલ તંત્રની આ ચેતવણીની જમીની સ્તરે કેટલી અસર થાય છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. ભૂતકાળમાં પણ રસ્તા પરના દબાણો દૂર કરવા માટે અનેક વખત ચેતવણીઓ અને કાર્યવાહી કરવામાં આવી છે, છતાં કેટલાક વિસ્તારોમાં સ્થિતિ યથાવત્ જોવા મળે છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી આસપાસ પણ રસ્તા પર મોટા પ્રમાણમાં દબાણો હોવાની સ્થિતિ સામે આવી છે.
નવી શાકમાર્કેટ બનાવવા અધિકારીઓને સ્પષ્ટ ના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત 10 સપ્ટેમ્બરે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રસ્તા પર ફળ-શાકભાજી વેચતા ફેરિયાઓના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હવેથી નવી શાકમાર્કેટ બનાવવામાં ન આવે તેવી અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં શહેરમાં 11 શાકમાર્કેટ બનાવવામાં આવી છે. તેમાં ફેરિયાઓને જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં મોટાભાગના ફેરિયાઓ માર્કેટની બહાર રસ્તા પર બેસતા હોવાની ચર્ચા બેઠકમાં થઈ હતી. તેના કારણે જાહેર માર્ગો પર દબાણ સાથે ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓ સર્જાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
પહેલાં ફેરિયાઓને માર્કેટમાં ખસેડાશે
સ્થાયી સમિતિની બેઠકમાં એસ્ટેટ વિભાગને પહેલાં રસ્તા પર બેસતા ફેરિયાઓને શાકમાર્કેટમાં ખસેડવા માટે કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ પણ જાહેર માર્ગો પર લારી-પાથરણાં રાખીને ફળ-શાકભાજીનું વેચાણ ચાલુ રહેશે તો લારી જપ્ત કરવા, દંડ વસૂલવા અને ફોજદારી કાર્યવાહી સહિતનાં પગલાં લેવાની તૈયારી તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે.








