Ahmedabad Dog Attack News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાને 54 વર્ષીય મહિલા પર હુમલો કરી હાથમાં બચકું ભરતાં તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. 4 સપ્ટેમ્બરની સાંજે હરભોળાપાર્ક વિભાગ-2માં બનેલી આ ઘટનાને પગલે રામોલ પોલીસે શ્વાન માલિક મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કચરો ફેંકવા બહાર નીકળતાં જ શ્વાને કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, વસ્ત્રાલના હરભોળાપાર્ક વિભાગ-2માં રહેતા 54 વર્ષીય કપીલાબેન પ્રજાપતિ 4 સપ્ટેમ્બરની સાંજે ઘરમાંથી કચરો બહાર ફેંકવા માટે ઝાંપા પાસે ગયા હતા. તે દરમિયાન પાડોશમાં રહેતા ધર્મીષ્ઠાબેન પ્રજાપતિનું પાલતુ જર્મન શેફર્ડ શ્વાન અચાનક તેમની તરફ ધસી આવ્યું હતું. શ્વાને કપીલાબેનના હાથમાં બચકું ભરતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. અચાનક થયેલા હુમલાને પગલે આસપાસના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત કપીલાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ચાર મહિના પહેલાં પણ આ જ મહિલાને બચકું ભર્યું હતું
ફરિયાદ મુજબ, ધર્મીષ્ઠાબેનના પાલતુ શ્વાને આશરે ચાર મહિના પહેલાં પણ કપીલાબેન પર હુમલો કર્યો હતો અને તેમને ઈજા પહોંચાડી હતી. અગાઉની ઘટના બાદ પણ શ્વાનને સુરક્ષિત રીતે બાંધી રાખવા સહિતની પૂરતી તકેદારી રાખવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોસાયટીનો ઝાંપો ખુલ્લો રહેતા શ્વાન બહાર આવી જતો હતો, જેના કારણે અન્ય રહેવાસીઓની સુરક્ષા સામે જોખમ ઊભું થયું હતું.
રામોલ પોલીસે શ્વાન માલિક સામે નોંધ્યો ગુનો
વારંવાર શ્વાનના હુમલાની ઘટના બન્યા બાદ કપીલાબેને રામોલ પોલીસ સ્ટેશનમાં ધર્મીષ્ઠાબેન પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ હવે અગાઉ બનેલી ઘટનાની વિગતો, શ્વાનને રાખવામાં આવતી સુરક્ષા વ્યવસ્થા અને હાલની ઘટનામાં થયેલી ઈજાઓ સહિતના પાસાઓની તપાસ કરી રહી છે








