Raksha Bandhan Jewelry Trends: રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદના સોની બજારમાં ફરી એકવાર રોનક જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધારો થયો હોવા છતાં તહેવારને લઈને જ્વેલરી અને કિંમતી ભેટોની ખરીદીમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદના સોની બજારમાં ગ્રાહકોની ભારે અવરજવર જોવા મળી રહી છે. હાલ સોનાનો ભાવ પ્રતિ તોલા આશરે ₹1.66 લાખ, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો આશરે ₹2.59 લાખ સુધી પહોંચ્યો છે. આટલા ઊંચા ભાવ છતાં રક્ષાબંધન માટે ચાંદીની રાખડી અને નાની જ્વેલરીની માંગમાં વધારો થતાં વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ચાંદીની રાખડીમાં ₹5 હજાર સુધીની ડિઝાઈનની સૌથી વધુ માંગ
રક્ષાબંધનને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ ઉપલબ્ધ છે. મોતી, સ્ટોન, રંગબેરંગી દોરા અને લાઇટવાળી રાખડીઓ ઉપરાંત હવે ચાંદીની રાખડી પણ લોકોની પસંદ બની રહી છે. જ્વેલર્સના જણાવ્યા મુજબ, આ વર્ષે ખાસ કરીને ₹5,000 સુધીની ચાંદીની રાખડીઓની માંગ વધારે છે. તેમાં લેબગ્રોન ડાયમંડ અને અમેરિકન ડાયમંડવાળી ડિઝાઈનો ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહી છે. કેટલાક ગ્રાહકો ભાઈ માટે સોનાની રાખડી ખરીદવામાં પણ રસ દાખવી રહ્યા છે.
સોનું મોંઘું બન્યું તો 9 કેરેટ ગોલ્ડ તરફ વળ્યા ગ્રાહકો
સોનાના ભાવમાં થયેલા ભારે વધારાની અસર સામાન્ય બજેટ પર પડી છે. 24 અને 22 કેરેટ સોનાના ભાવ ઊંચા હોવાથી મધ્યમ વર્ગના ગ્રાહકો હવે ઓછી કિંમતના વિકલ્પો તરફ વળી રહ્યા છે. આ કારણે 9 કેરેટ ગોલ્ડના બ્રેસલેટ, બુટ્ટી અને વીંટી જેવા નાના દાગીનાની માંગમાં વધારો થયો છે. ભાઈ-બહેન એકબીજાને લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ભેટ આપવા માગે છે, જેના કારણે નાના અને બજેટ ફ્રેન્ડલી ગોલ્ડ જ્વેલરી સેગમેન્ટમાં ખરીદી વધી રહી છે.
₹5 હજારથી ₹25 હજારની ગિફ્ટ સૌથી વધુ પસંદ
રક્ષાબંધન નિમિત્તે જ્વેલરી માર્કેટમાં ગિફ્ટિંગ ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે ₹5,000થી ₹25,000 સુધીની સોના-ચાંદીની ગિફ્ટ આઇટમ્સની માંગ નોંધપાત્ર છે. આ ઉપરાંત વધુ બજેટ ધરાવતા ગ્રાહકોમાં ₹50,000થી ₹1 લાખ સુધીના સોનાના દાગીના અને કિંમતી ગિફ્ટ્સ ખરીદવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.
ભાવવધારા વચ્ચે સોની બજારમાં ફરી રોનક
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક સ્તરે તેજી હોવા છતાં રક્ષાબંધનના તહેવારે અમદાવાદના જ્વેલરી બજારને રાહત આપી છે. ખાસ કરીને ચાંદીની રાખડી, 9 કેરેટ ગોલ્ડ જ્વેલરી અને મધ્યમ બજેટની ગિફ્ટિંગ આઇટમ્સની માંગને કારણે વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે રક્ષાબંધન પર મોંઘું સોનું ખરીદવાને બદલે ચાંદીની રાખડી અને નાના ગોલ્ડ જ્વેલરી પીસ લોકોની નવી પસંદગી બની રહ્યા છે.








