Youth Attacked with Knife Over Girl Dispute in Rakhial: અમદાવાદ શહેરમાં નજીવી તકરાર અને અંગત અદાવતને લઈને હિંસક હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલમાં યુવતીની બાબતે થયેલા વિવાદમાં એક મિત્રે જ બીજા મિત્ર પર ચપ્પુથી હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે. ચકુડિયા મહાદેવ મંદિર સામે જાહેરમાં પાનના ગલ્લા પાસે બનેલી આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પાનના ગલ્લા પર બોલાવી અચાનક હુમલો કર્યો
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બળિયા કાકા ચાર રસ્તા પાસે આવેલી કાશીબાઈની ચાલીમાં રહેતો 22 વર્ષીય મોહમ્મદ સુફેલ ઉર્ફે ગોલુ મોઇનુદ્દીન પઠાણ POP મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજે આશરે 7 વાગ્યાના સમયે તે તેના મિત્ર સમીર સિકંદર સૈયદ સાથે રખિયાલ ચકુડિયા મહાદેવ મંદિર સામે આવેલા પાનના ગલ્લા પાસે ઊભો હતો. આ દરમિયાન ચકુડિયા મહાદેવના છાપરામાં રહેતા તેના પરિચિત સમીરે સુફેલને ફોન કરીને તેનું લોકેશન પૂછ્યું હતું. સુફેલે પોતે પાનના ગલ્લા પાસે હોવાનું જણાવતાં આરોપી સમીર માત્ર 2થી 3 મિનિટમાં એક્સેસ ટુ-વ્હીલર લઈને ત્યાં પહોંચી ગયો હતો.
યુવતીની બાબતે બોલાચાલી બાદ માથામાં ચપ્પુના ઘા
સમીર ત્યાં પહોંચતાં જ એક યુવતીની બાબતને લઈને સુફેલ સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો હતો. ગાળાગાળી કર્યા બાદ તેણે સુફેલને ગડદાપાટુનો માર માર્યો હતો. સુફેલે ગાળો બોલવાની અને મારપીટ કરવાની ના પાડતાં સમીર વધુ ઉશ્કેરાયો હતો. ત્યારબાદ તેણે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને સુફેલના માથાના ભાગે ઉપરાઉપરી બે ઘા મારી દીધા હતા.
જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ફરાર
ચપ્પુથી હુમલો કર્યા બાદ આરોપી સમીરે ઈજાગ્રસ્ત સુફેલ તેમજ સ્થળ પર હાજર તેના મિત્ર સમીર સિકંદર સૈયદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે પોતાના ટુ-વ્હીલર પર સવાર થઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયો, પોલીસ તપાસ શરૂ
હુમલામાં લોહીલુહાણ થયેલો સુફેલ બાઈક ચલાવીને પોતાની ચાલીના નાકા સુધી પહોંચ્યો હતો. ત્યાં તેના મોટા ભાઈ આમીરખાને તેની ગંભીર હાલત જોઈ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે રખિયાલ પોલીસે આરોપી સમીર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.








