Ahmedabad Railway Station Accident: અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી. જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ રહી હતી ત્યારે એક આધેડ મુસાફરે ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પગ લપસી જતાં તેઓ ટ્રેનના દરવાજા પાસે લટકી ગયા હતા અને ચાલતી ટ્રેન સાથે થોડે દૂર સુધી ઢસડાયા હતા. જોકે, ફરજ પર હાજર રેલવે ટેકનિશિયનની સમયસૂચકતાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
ટ્રેન પકડવા આધેડે જીવ જોખમમાં મૂક્યો
મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી જબલપુર-વેરાવળ એક્સપ્રેસ રવાના થઈ રહી હતી. આ દરમિયાન એક આધેડ મુસાફરે દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનની ઝડપના કારણે તેમનું સંતુલન બગડ્યું અને પગ લપસી ગયો હતો. જોકે, તેમણે કોચના દરવાજાની સીડી પકડી લેતા તેઓ ટ્રેન સાથે લટકી ગયા હતા. ટ્રેન આગળ વધતી રહેતા મુસાફર પ્લેટફોર્મની બાજુએ ઘસડાવા લાગ્યા હતા.
મુસાફરને લટકતા જોઈ પ્લેટફોર્મ પર દોડધામ
આધેડ મુસાફર ટ્રેનના દરવાજા પાસે લટકી રહ્યા હોવાનું જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. થોડો પણ સમય વધુ પસાર થયો હોત તો મુસાફર ટ્રેન નીચે આવી જવાની શક્યતા હતી. આ દરમિયાન ફરજ પર હાજર રેલવે ટેકનિશિયન મહેશ પરમારની નજર મુસાફર પર પડી હતી. તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તરત જ દોટ મૂકી હતી.
મહેશ પરમારે સમયસૂચકતા દાખવી જીવ બચાવ્યો
મહેશ પરમારે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના લટકી રહેલા મુસાફરને પકડી લીધો હતો. ત્યારબાદ પોતાની પૂરી તાકાત લગાવી તેમને પ્લેટફોર્મ તરફ ખેંચી કાઢ્યા હતા. રેલવે ટેકનિશિયનની હિંમત અને સમયસૂચકતાના કારણે આધેડ મુસાફર ટ્રેન નીચે આવતાં સહેજમાં બચી ગયા હતા. ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યા બાદ રેલવે સ્ટેશન પર હાજર લોકોમાં પણ આ ઘટનાની ચર્ચા જોવા મળી રહી છે.
ચાલુ ટ્રેનમાં ચઢવું બની શકે છે જીવલેણ
આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે ટ્રેન રવાના થઈ ગયા બાદ તેમાં ચઢવાનો પ્રયાસ જીવ માટે જોખમી બની શકે છે. મુસાફરોએ ઉતાવળ કરવાને બદલે આગામી ટ્રેનની રાહ જોવી અને રેલવે સ્ટેશન પર સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.








